શું તંત્ર વધુ એક અગ્નિકાંડની રાહ જોઈ રહ્યું છે? ગાંધીનગરના ફાયર વિભાગમાં સ્ટાફની ભારે અછત

ગાંધીનગર: છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં આગની ઘણી ગોઝારી દુર્ઘના ઘટી છે, વર્ષ 2019માં સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 19 બાળકોએ જીવ ગુમાવ્યા હતાં, જ્યારે વર્ષ 2024માં રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાયા હતાં. આ બંને મોટી ઘટનાઓ બાદ ફાયર સેફટીના નિયમો અને ફાયર વિભાગ સામે સવાલો ઉઠ્યા હતાં. એવામાં ફરી એકવાર તંત્ર ઊંઘતું ઝડપાયું છે.
એક અખાબારી અહેવાલ મુજબ ગાંધીનગરની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (GFES)માં સ્ટાફની ગંભીર અછત છે. અહેવાલ મુજબ GFESમાં ફક્ત ચાર કાયમી કર્મચારીઓ કાર્યરત છે, જ્યારે બાકીના ફાયરફાઈટર્સ અને ડ્રાઇવરો સહિત સ્ટાફને ખાનગી એજન્સીઓ પાસેથી આઉટસોર્સ કરવામાં આવી રહ્યા છે.
બે દાયકાથી ભરતી નથી થઇ:
અહેવાલમાં આપવામાં આવેલી માહિતી મુજબ વિભાગે 2002 થી એક પણ કાયમી કર્મચારીની ભરતી કરી નથી. વિભાગની આ ઉદાસીનતાને કારણે શહેરમાં કટોકટીની પરીસ્થીતીનો સમાનો કરવાની વિભગની ક્ષમતા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.
3 લાખની વસ્તી સામે માત્ર 4 કાયમી કર્મચારીઓ:
2011 ની વસ્તી ગણતરીમાં ગાંધીનગરની વસ્તી 2.06 લાખ હતી, પરંતુ એક અંદાજ મુજબ વર્તમાનમાં આ આંકડો 3 લાખથી વધુ છે. શહેરનો વિસ્તાર 1240 ચોરસ કિમીમાં ફેલાયેલો છે, એવામાં એક મજબૂત અને કાર્યક્ષમ ફાયર સર્વિસનું હોવું ખુબ જ મહત્વપૂર્ણ છે. છતાં, વિભાગની મુખ્ય ટીમમાં ફક્ત ચાર લોકો જ છે.
વિભાગ કોન્ટ્રાક્ટ સ્ટાફ પર નિર્ભર:
અહેવાલ મુજબ આઉટસોર્સિંગની આ પ્રથા વર્ષ 2011-12 ની આસપાસ શરૂ થઈ હતી, અને ત્યારથી, વિભાગ કોન્ટ્રાક્ટ સ્ટાફ પર જ નિર્ભર રહ્યો છે. જો કે જરૂર પડ્યે ગુજરાતના અન્ય ભાગોમાંથી અધિકારીઓને પોસ્ટ કરવામાં કરવામાં આવે છે, પરંતુ બે દાયકાથી વધુ સમયથી કોઈ નવી કાયમી નિમણૂકો કરવામાં આવી નથી.
ટૂંક સમયમાં ભરતી થશે:
એક વરિષ્ઠ અધિકારીએ અખબારને જણાવ્યું હતું કે વિભાગમાં ભરતી આખરે શરૂ થઈ ગઈ છે. અહેવાલ મુજબ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ પરીક્ષાઓ યોજી છે. અધિકારીએ જણાવ્યું, “અમે પ્રક્રિયાના અંતિમ તબક્કામાં છીએ. અમારું લક્ષ્ય આગામી અઠવાડિયામાં 138 ડ્રાઇવર-કમ-ફાયરમેન, એક ચીફ ફાયર ઓફિસર, બે ફાયર ઓફિસર અને એક સબ ફાયર ઓફિસરની નિમણૂક કરવાનું છે.”
અન્ય શહેરોમાં પણ સ્ટાફની અછત:
ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ના 2024 ના અહેવાલમાં સમગ્ર ગુજરાતમાં ફાયર વિભગના સ્ટાફની આવી અછત છે. અહેવાલમાં જણાવાયું છે કે રાજ્યમાં ફક્ત 1,447 ફાયર ફાઈટર્સ કર્મચારીઓ છે, આ સંખ્યા જરૂરી સંખ્યા 4,240 ના માત્ર 34.5% છે. 1,467 ની જરૂરિયાત સામે ફક્ત 770 ફાયર ફાઈટ વેહિકલ છે. આમાંથી ઘણા વાહનો ઉપયોગ માટે અયોગ્ય હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો…ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની નવી કચેરીઓના બાંધકામ માટેની સહાયમાં થયો વધારો