ગુજરાતમાં 2023-24ના વર્ષે 25 કરોડથી વધુની હાથશાળ બનાવટોનું વિક્રમી વેચાણ
ગાંધીનગર: હાથશાળ અને હસ્તકલા આપણા દેશના સમૃદ્ધ તેમજ વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. સાથે જ ભારતના નાના ગામડાઓમાં વસતા કેટલાક નાગરિકોના આજીવિકાનો મહત્વપૂર્ણ સ્ત્રોત પણ છે. ભારતમાં યુગોથી ચાલતી આવી રહેલી હાથશાળ કલા ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા દર વર્ષે 7મી ઓગસ્ટને “રાષ્ટ્રીય હાથશાળ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. હાથશાળ કલાના મહત્વને સમજીને વર્ષ 2015થી હાથશાળ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી હતી.
રાષ્ટ્રીય હાથશાળ દિવસની ગુજરાતમાં ઉજવણી:
ગુજરાત હાથશાળ કલાને પ્રોત્સાહિત કરવા 7મી ઓગસ્ટના રોજ “રાષ્ટ્રીય હાથશાળ દિવસ”ની ઉજવણી કરાશે. આ ઉજવણી અંતર્ગત રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગર ઉપરાંત રાજ્ય બહાર બોરીવલી-મુંબઈ ખાતે હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે યોજાનાર પ્રદર્શન અને ઉજવણી કાર્યક્રમ દરમિયાન નેશનલ એવોર્ડ તથા સંત કબીર એવોર્ડ વિજેતા હાથશાળ કારીગરોનું સન્માન કરવામાં આવશે.
આ પણ વાંચો: આપણી આઇટેમ, ફોરેનની માર્કેટ કલા પર અવેલેબલ લેબલ!
આ વર્ષે ૩૨૦૦થી વધુ હાથશાળ કારીગરોને મળી રોજગારી:
ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા ચાલુ વર્ષ 2024-25 દરમિયાન રાજ્યના 3200 જેટલા હાથશાળ કારીગરો પાસેથી પટોળા, ટાંગલીયા, આશાવલી સાડી, વુલન શાલ, સ્ટોલ, દુપટ્ટા, વીવીંગ ચાદરો, વીવીંગ ચોરસા જેવી હાથશાળની બનાવટોની ખરીદી કરીને કારીગરોને રૂ. 690 લાખથી વધુની રોજગારી પૂરી પાડી છે.
જ્યારે, ગત વર્ષ 2023-24માં પણ 2350 હાથશાળ વણકરો પાસેથી રૂ. 682 લાખથી વધુની હાથશાળ બનાવટોની ખરીદી કરી હતી. વર્ષ 2023-24 દરમિયાન હાથશાળ અને હસ્તકલાનું છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં સૌથી મહત્તમ રૂ. 25 કરોડથી વધારેના વેચાણની સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.
હાથશાળ બનાવટોને મળ્યું GI ટેગ:
ગુજરાતના દરેક જિલ્લાની ઓછામાં ઓછી એક પ્રોડક્ટનું રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે વેચાણ વધારીને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના મુખ્ય હેતુ સાથે શરુ થયેલી “વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ” યોજનામાં પાટણના પટોળા, સુરેન્દ્રનગરનું ટાંગલીયા, મહેસાણાની સદી હાથવણાટ, ગાંધીનગરની આશાવલી સાડી, પોરબંદરના વુલન બ્લેન્કેટ અને દેવભૂમિ દ્વારકાની હાથશાળ શાલ જેવી વિવિધ હાથશાળ પ્રોડક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: આખી દુનિયામાં જાણીતી છે બિહારની ગ્રામીણ લોકકલા સિક્કી
આ ઉપરાંત ટાંગલીયા વણાટ, કચ્છી શાલ, પાટણના પટોળા, ઘરચોળા અને ભરૂચ સુજની જેવા હાથશાળ વણાટને ભારત સરકાર દ્વારા જી.આઈ ટેગ (GI Tag) આપવામાં આવ્યું છે.
હાથશાળ કામગીરીમાં મહિલાઓની ભાગીદારી 70 ટકા:
હાથશાળ કલા-કારીગીરીનું એક એવું ક્ષેત્ર છે, જેમાં જોડાયેલા તમામ કામદારો પૈકી 70 ટકા મહિલાઓ છે. ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરમાં હાથશાળ-વણાટનું અનેરું મહત્વ છે.
એટલા માટે જ, ગુજરાત સરકાર રાજ્યના હાથશાળ વારસાના સંવર્ધન અને સંરક્ષણ માટે અનેકવિધ પહેલો કરી રહી છે. પરિણામે આજે ગામડાઓમાં પરંપરાગત કલા-કારીગરી વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે અને આ વ્યવસાય સાથે જોડાયેલા કારીગરો પણ સ્વાવલંબી બની રહ્યા છે.