ગુજરાતમાં 1 નવેમ્બરથી રેશન કાર્ડની દુકાનો બંધ, સરકારે કમિશન ના વધારતાં આંદોલન

ગાંધીનગર: ગરીબી રેખા નીચે જીવતા લોકોની સુખાકારી માટે દેશમાં સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન ચલાવવામાં આવે છે. પરંતુ ગુજરાત રાજ્યમાં અંદાજે 17 હજાર જેટલી સસ્તા અનાજની દુકાનો આગામી 1લી નવેમ્બરથી અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. જોકે, આ નિર્ણય સરકાર દ્વારા નહીં પરંતુ સસ્તા અનાજની દુકાનના દુકાનદારો દ્વારા લેવામાં આવ્યો છે. દુકાનદારોએ આવો નિર્ણય કેમ લીધો, આવો જાણીએ.
પડતર માંગણીઓ અને વિવાદાસ્પદ પરિપત્રો
ફેર પ્રાઈઝ એસોસિએશને તેમની લાંબા સમયથી પડતર માંગણીઓનો અમલ ન થતાં અને પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા કરાયેલા વિવાદાસ્પદ પરિપત્રોના વિરોધમાં આંદોલનનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે. સસ્તા અનાજના દુકાનધારકોનાં બે સંગઠનો સાથે દોઢ વર્ષ પહેલાં સરકારે તેમની પડતર માંગણીઓ બાબતે ચર્ચા કરી હતી અને સહમતિ પણ સધાઈ હતી. જોકે, દોઢ વર્ષ બાદ પણ તેનો અમલ ન થતાં દુકાનધારકોએ 1લી નવેમ્બરથી વિતરણ પ્રથાથી અળગા રહીને અસહકારનું આંદોલન કરવાની ફરજ પડી છે.
દુકાનદારોને ‘ગુલામ બનાવવાનો પ્રયાસ’
ફેર પ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે અમારા જૂના પ્રશ્નોનો અમલ કરાવવા માટે આંદોલન કરીશું. અમારી એક મુખ્ય માંગણી કમિશન વધારવાની છે, જે છેલ્લા ચાર વર્ષથી કમિશન વધારવામાં આવ્યું નથી.
પ્રહલાદ મોદીએ આગળ જણાવ્યું કે, દુકાનધારકોનો મુખ્ય આરોપ અન્ન અને પુરવઠા વિભાગના અધિકારીઓ, ખાસ કરીને જોઈન્ટ કમિશનર ગાંધી સાહેબ, પર છે. આ અધિકારીના આવ્યા પછી અનેક પ્રકારના વિવાદાસ્પદ પરિપત્રો થવાના શરૂ થયા છે. આ પરિપત્રો સસ્તા અનાજના દુકાનધારકોને ‘ગુલામ બનાવવા’ માટેના પ્રયાસો છે. એવા આરોપો પણ પ્રહલાદ મોદી દ્વારા લગાવવામાં આવ્યો છે.
કયા પરિપત્રો બન્યા વિવાદાસ્પદ
બે પરિપત્રોને લઈને સસ્તા અનાજની દુકાનના દુકાનદારો આંદોલન પર ઉતરવાના છે. જે પૈકીના પહેલા પરિપત્ર હેઠળ, અગાઉ જીવતા વ્યક્તિની હયાતીમાં દુકાનનો વારસાઈ હક્ક (વારસો) મળતો હતો, જે રદ કરી દેવામાં આવ્યો છે. પ્રહલાદ મોદીએ આને અમાનવીય પરિપત્ર ગણાવ્યો છે. આ પરિપત્ર અંગે પ્રહલાદ મોદીએ કહ્યું કે, જો કોઈ દુકાનદાર બીમાર પડે અને હોસ્પિટલમાં હોય ત્યારે વારસાઈ ન થાય, તો દુકાન બંધ થઈ જાય છે. આનાથી એક તરફ આર્થિક તંગી અને બીજી તરફ ઘરના લોકોને ભૂખે રહેવાની સ્થિતિ ઊભી થાય છે.
બીજા પરિપત્ર મુજબ, દરેક દુકાન માટે 11 સભ્યોની કમિટી બનાવવી પડે છે. જોકે, ગાંધી સાહેબે એવો પરિપત્ર કર્યો છે કે માલ ઉતારતી વખતે આ 11માંથી 8 લોકોને હાજર રાખવા ફરજિયાત છે. દુકાનદાર સંગઠન આ શરતને અશક્ય ગણાવે છે અને તેનો સખત વિરોધ કરે છે.
દુકાનધારકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી આ વિવાદાસ્પદ પરિપત્રો રદ નહીં થાય, ત્યાં સુધી તેઓ લડત ચાલુ રાખશે અને 1લી નવેમ્બરથી સરકાર જાગે નહીં ત્યાં સુધી દુકાનો બંધ રાખશે. આ વિરોધના ભાગરૂપે, દુકાનધારકોએ પરમિટ જનરેટ કરવાનો પણ ઇન્કાર કર્યો છે.
આ પણ વાંચો…ગુજરાતમાં રેશન કાર્ડને ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં ગણાય: સરકારનો મોટો નિર્ણય