કામના કલાકોના વટહુકમ પર ગુજરાત વિધાનસભામાં સવાલ: કોંગ્રેસે ઉઠાવ્યો મુદ્દો | મુંબઈ સમાચાર
ગાંધીનગર

કામના કલાકોના વટહુકમ પર ગુજરાત વિધાનસભામાં સવાલ: કોંગ્રેસે ઉઠાવ્યો મુદ્દો

ગાંધીનગરઃ 15 મી વિધાનસભાના સાતમા સત્રના બીજા દિવસે ગૃહમાં કામના કલાકો બાબતના વટહુકમ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. આંકલાવના ધારાસભ્ચ અમિત ચાવડાએ કામદારોના કલાકો બાબતના વટહુકમનો મુદ્દો ઉઠાવ્યો હતો.

અમિત ચાવડાએ શું પૂછ્યું

તેમણે પૂછ્યું કે, કામદારોના કામના કલાકો માટેનો વટહુકમ ક્યારે બહાર પાડવામાં આવ્યો હતો? તેમાં કામના કલાકો 8 થી વધારીને 12 કરવાની મંજૂરી આપવામાં આવી છે કે કેમ અને જો હા તો તેના શા કારણો છે? તેમજ છેલ્લા છ માસમાં વટહુકમ સામે વિરોધ દર્શાવતી કેટલી રજૂઆતો સરકારને મળી?

સરકારે શું આપ્યો જવાબ

અમિત ચાવડાના પ્રશ્નોના જવાબ આપતાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂતે કહ્યું- કામદારોના કામના કલાકો માટેનો વટહુકમ 01-07-2025ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં કામકાજના કલાકો આઠથી વધારીને 12 કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

તેમણે વટહુકમનું કારણ આપતાં જણાવ્યું કે, રાજયમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, રાષ્ટ્રીય હિતમાં નવી પરિયોજનાઓમાં રોકાણ આકર્ષવા અને રોજગારની તકો ઊભી કરવા લાવવામાં આવ્યો છે. તેમાં કામદારોની લેખિત સંમતિ મેળવીને તથા સરકારને યોગ્ય લાગે તેવી શરતોને આધિન કાયદાની કલમ-54 થી નિયત થયેલ કામના દૈનિક મહત્તમ કલાકોને આરામ સહિત ૧૨ કલાક સુધી પરંતુ અઠવાડિયાના મહત્તમ ૪૮ કલાકની મર્યાદામાં વધારી શકશે તેવી જોગવાઈ કરી છે. કામદારને અઠવાડિયાના બાકીના દિવસો પગાર સાથેની રજા મળી -શકે તેવી પણ જોગવાઈ છે. આ ઉપરાંત છેલ્લા છ માસમાં વટહુકમ સામે વિરોધ દર્શાવતી એક રજૂઆત સરકારને મળી છે.

ઉલ્લેખનીય છે કે સરકારના પગલાંનો વિરોધ થઈ રહ્યો છે. આ વટહુકમનો કામદાર સંગઠનો દ્વારા સખત વિરોધ થઈ રહ્યો છે. સંગઠનોએ સરકારના આ પગલાને કર્મચારીઓનું શોષણ ગણાવીને તેની સામે લડી લેવાની તૈયારી બતાવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, વિવિધ કામદાર સંગઠનો આ વટહુકમનો વિરોધ કરી રહ્યા છે અને તેને હાઇ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. સરકારના આ વટહુકમથી કામના કલાકો વધી જશે. જેની સીધી અસર કામદારોના સ્વાસ્થ્ય પર પડશે. એટલું જ નહીં, વટહુકમમાં રાત્રે પણ કામ કરવાની છૂટ આપવામાં આવી છે. જેના કારણે નાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓની સુરક્ષા સામે પણ સવાલ ઊભા થઈ શકે છે.

આ પણ વાંચો…ગુજરાતમાં કામકાજના કલાકો વધારવા મુદ્દે બબાલઃ સરકારના વટહુકમ સામે કર્મચારી સંગઠનો લડી લેવાના મૂડમાં

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button