હવે ખાનગી યુનિવર્સિટીઓને સરકારનો ટેકો: વિધાનસભામાં પસાર કર્યું બિલ
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનાં ટૂંકા ત્રિદિવસીય સત્રનો આજે અંતિમ દિવસ હતો. છેલ્લા દિવસે પણ સરકાર દ્વારા મહત્વપૂર્ણ બિલ લાવવામાં આવ્યું હતું. આજે સરકારે રાજ્યની ખાનગી યુનિવર્સીટીના નામ,સ્થાન તથા અધિકાર ક્ષેત્રમાં ફેરફાર જેવી બાબતોમાં સુધારો લાગુ કરવાની વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા માટે ગૃહમાંથી ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર કર્યું છે.
વિધાનસભા સત્રમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ બિલ રજૂ કર્યું હતું. આ સુધારા વિધેયક લાગુ થવાથી યુનિવર્સીટીના નામ તથા સ્થાન ફેરફાર કરવા જેવી બાબતોમાં સુધારો કરવા માટે વિધાનસભામાં લાવવાની જરૂર નહિ રહે. ગુજરાત ખાનગી યુનિવર્સિટી વિધેયક, 2009માં સુધારો કરવા આ કાયદાને ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક, 2024 તરીકે રજૂ કરવામાં આવેલ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક મહત્ત્વનું બિલ પસારઃ ‘નશાબંધી સુધારા’ વિધેયકને મંજૂરી
ગુજરાત ખાનગી યુનિવર્સિટી વિધેયક , 2009 “પ્રિન્સીપાલ એક્ટ”ના સેક્શન-10માં રાજ્ય સરકાર, રાજપત્રમાં જાહેરનામાથી, અનુસૂચિની કોઇ વિદ્યમાન કોલમ અથવા નોંધમાં ફેરફાર કરી શકશે. તેવી સુધારા જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે.
રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણની ગુણાત્મક અને ઉદ્યોગ સંબંધિત જોગવાઈ માટે તથા કાયદાની જોગવાઇઓ અનુસાર તેમની કામગીરીનું નિયમન થાય તે માટે રાજ્યમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સ્થાપવાની જોગવાઇ કરવા માટે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ, 2009 અમલમાં મૂક્યો છે.
જે અન્વયે હાલમાં રાજ્યમાં કુલ 65 ખાનગી યુનિવર્સિટીઓ કાર્યરત છે. ગુજરાતની એફીલેટેડ કોલેજોમાં 1833 તથા ગુજરાતની યુનિવર્સિટીઓમાં 2071 એટલે કે કુલ 3904 વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ કરી રહ્યાં છે.