ગાંધીનગર

ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના’ ગરીબો માટે બની આશીર્વાદઃ 3.72 કરોડ લોકોએ લીધો લાભ

ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગરીબો અને વંચિતોના વિકાસ માટે અનેક લોક કલ્યાણ યોજનાઓ શરુ કરી છે. આજથી પાંચ વર્ષ પહેલાં વડા પ્રધાને અંત્યોદય કુટુંબોને ટેકો આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી હતી, જે અનેક લોકો માટે વરદાન સાબિત થઈ છે.

ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વર્ષ 2024માં 21.91 લાખ મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેની અંદાજિત બજાર કિંમત ₹7529 કરોડ રૂપિયા છે.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : ગરીબોને મફત અનાજ, દેશના કરદાતાઓ સાથે ઘોર અન્યાય

અંત્યોદય કુટુંબો માટે વરદાન બની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીના કપરા સમયગાળામાં ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ પૂરું પડવાના હેતુથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) શરુ કરી હતી.

જોકે, જરૂરિયાતમંદ પરિવારોનો નાણાંકીય બોજો ઓછો થાય અને તેમને અન્ન વિતરણનો મહત્તમ લાભ મળે એ સુનિશ્ચિત કરવા માટે આ યોજનાને હવે ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવી છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 (NFSA) હેઠળ સમાવિષ્ટ અંત્યોદય કુટુંબોને માસિક 35 કિ.ગ્રા. અનાજ અને અગ્રતા ધરાવતા કુટુંબોને માસિક વ્યકિતદીઠ 5 કિ.ગ્રા. અનાજ એમ બે પ્રકારના કુટુંબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે.

આપણ વાંચો: ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના અમલમાં ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય-મુખ્યમંત્રી પટેલ

ગુજરાતના 76 લાખથી વધુ કુટુંબોને મળી રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ

ગુજરાત સરકારે ગરીબો અને વંચિતોના વિકાસને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે અને ખાસ કરીને, પોષણલક્ષી યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય એ સુનિશ્ચિત કર્યું છે. પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના 76.6 લાખથી વધુ કુટુંબોના 3.72 કરોડ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

વર્ષ 2024ની વાત કરીએ તો, રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ₹7,529 કરોડની કિંમતના 21.91 લાખ મે.ટન અનાજના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આમાં અંત્યોદય અન્ન યોજનાના 36.40 લાખથી વધુ લાભાર્થીઓ અને અગ્રતા ધરાવતા કુટુંબોના 3.30 કરોડથી વધુ લાભાર્થીઓનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: છેલ્લા 23 વર્ષથી યોજાતા ગરીબ કલ્યાણ મેળા છ્તા ગુજરાતમાં ગરીબો ઘટતા નથી ? રાજ્ય સરકારનો વધુ એક મેળો સપ્ટેમ્બરમાં

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ₹2712 કરોડની ફાળવણી

તાજેતરમાં રજૂ થયેલા ગુજરાતના વર્ષ 2025-26ના બજેટમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ₹2712 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

NFSA રાશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે ₹767 કરોડ, નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ-2013 હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અનાજ પૂરું પાડવા ₹675 કરોડની જોગવાઈ, NFSA લાભાર્થી કુટુંબોને વર્ષમાં બે વખત ખાદ્યતેલ રાહત દરે આપવા માટે ₹160 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત, શ્રીઅન્ન (મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા માટે બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટોલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા ₹37 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button