ગાંધીનગર

ગાંધીનગરથી વડાપ્રધાન મોદીની ગર્જના! 12 વખત પાકિસ્તાનનું નામ લઇને આપ્યો કડક સંદેશ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે હતાં. સોમવારે દાહોદ અને ભુજમાં જાહેર સભા ગજાવ્યા બાદ, આજે મંગળવારે વડાપ્રધાન મોદીએ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક જાહેર સભા દરમિયાન પાકિસ્તાનને કડક સંદેશ (PM Modi speech at Gandhinagar) આપ્યો હતો. આજના ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ 12 વખત પાકિસ્તાનનું નામ લઇને કડક સંદેશ આપ્યો હતો કે ભારત આતંકવાદને સહન નહીં કરે.

આજે ગાંધીનગરમાં જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે શરીર ગમે તેટલું સ્વસ્થ હોય, પણ જો પગમાં કાંટો વાગે તો આખું શરીર બેચેન રહે છે. તેથી અમે નક્કી કર્યું છે કે અમે આ કાંટો દૂર કરીને જ રહીશું.

‘આ વીરોની ભૂમિ છે’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતે પાકિસ્તાનને યુદ્ધમાં ત્રણ વખત હરાવ્યું હતું. આપણે આપણા પડોશીઓ માટે પણ સુખ અને શાંતિ ઇચ્છીએ છીએ. હજારો વર્ષોથી આ આપણો સ્વભાવ રહ્યો છે, પરંતુ જ્યારે આપણી શક્તિને વારંવાર પડકારવામાં આવે છે, ત્યારે યાદ રાખવું જોઈએ કે આ દેશ વીરોની ભૂમિ છે. જો આપણે મુજાહિદ્દીનોને પહેલા મારી નાખ્યા હોત તો આ દિવસ ન જોવો પડ્યો હોત. અમે આતંકવાદનો કાંટો કાઢીને જ રહીશું.

‘પાકિસ્તાનમાં આતંકવાદીઓને સન્માન..’

વડાપ્રધાન મોદીએ કહ્યું, “આપણે આને પ્રોક્સી વોર ન કહી શકીએ, કારણ કે 6 મે પછી માર્યા ગયેલા લોકોને પાકિસ્તાનમાં સરકારી સન્માન આપવામાં આવ્યું હતું. તેમની શબપેટીઓ પર પાકિસ્તાની ધ્વજ લપેટવામાં આવ્યો હતો અને પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને સલામી આપી હતી. આ સાબિત કરે છે કે આ આતંકવાદી પ્રવૃત્તિઓ ફક્ત પ્રોક્સી વોર નથી, આ પાકિસ્તાનની એક વિચારીને અમલમાં મુકવામાં આવેલી યુદ્ધ સ્ટ્રેટજી છે. જો તેઓ યુદ્ધમાં સામેલ થશે, તો તે મુજબ જવાબ આપવામાં આવશે.”

ઓપરેશન સિંદૂર 140 કરોડ લોકોની જવાબદારી:

‘ઓપરેશન સિંદૂર’અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું, “દુનિયા સિંદૂરિયા સાગરની ગર્જના સાંભળી રહી છે. જો દેશનું નિર્માણ અને તેનો બચાવ કરવો હોય, તો ઓપરેશન સિંદૂર 140 કરોડ લોકોની જવાબદારી છે. ઓપરેશન સિંદૂર ભારતની સેના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પણ તેને લોકોની શક્તિથી જીતવું પડશે.”

પાકિસ્તાનને કડક શબ્દોમાં જવાબ:

ગાંધીનગરથી આપેલા ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 વાર પાકિસ્તાનનું નામ લીધું. આ ઉપરાંત, 11 વખત આતંકવાદનો, 10 વખત પાકિસ્તાની સેનાનો, 7 વખત પાકિસ્તાની લોકોનો, 11 વખત ભારતીય સેનાની બહાદુરીનો અને 9 વખત ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો.

આ ભાષણથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને કડક શબ્દોમાં જણાવી દીધું છે કે ભારત આતંકવાદને સહન નહીં કરે.

આ પણ વાંચો….વડાપ્રધાન મોદીના રોડ શોમાં મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનના પરિવારને ₹4.5 લાખની સહાય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button