
ગાંધીનગરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. આ અંગે મુખ્ય પ્રધાને તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી.
મુખ્ય પ્રધાને લખ્યું, માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
વડા પ્રધાને ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાઓ અંગેની પણ વિગતો મેળવી હતી.
આજે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક મળી હતી. તેમણે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા બેઠક કરી હતી. આ બેકમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી તેમજ ગુજરાત એકમના ત્રણેય સેનાના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં કોસ્ટગાર્ડ, બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના ડીજી, રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી ઉપસ્થિત હતા.
મુખ્ય પ્રધાને આપાત કાલીન સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન, સેટેલાઈટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરી લેવાની પણ તાકીદ કરી હતી. તેમણે હાલની તનાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાન કાર્યરત કરવા સાથોસાથ નાગરિક સંરક્ષણની સજ્જતા, સુરક્ષિત સ્થાનો-સેઈફ હાઉસની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી. તેમજ નાગરિકોને આવશ્યક વસ્તુઓનો અને પેટ્રોલ-ડીઝલ જેવા ફ્યુઅલનો પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે સંબંધિત જિલ્લા અને તંત્ર વાહકોને આ જથ્થા નો પૂરતો સંગ્રહ તકેદારીના ભાગરૂપે કરી લેવા પણ સૂચનો કર્યા હતા.
તેમણે લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકજાગૃતિ અભિયાન શરૂ કરવા પણ સૂચવ્યું હતું. લોકોને પણ સરકારના વિવિધ વિભાગોના અધિકૃત સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવતી સત્તાવાર માહિતી અને સમાચારો અને સૂચનાઓ પર ધ્યાન આપવાનો તેમણે અનુરોધ કર્યો હતો.