ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યા: 24 કલાકમાં આરોપી ઝડપાયો, લગ્નનું દબાણ બન્યું મોતનું કારણ?

ગાંધીનગરઃ પાટનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી એક ચોંકાવનારી ઘટનાએ લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. અમદાવાદના શાહીબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેના પગલે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. મહિલા પોલીસ કર્મચારીની હત્યા પ્રેમ સંબંધ અને લગ્ન માટે દબાણ કરવાના કારણે કરી દેવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે ગાંધીનગર પોલીસે આ કેસમાં મોહન નાગજીભાઈ પારધી (ઉંમર 33, રહેવાસી અમરેલી) નામના શખસની ધરપકડ કરી છે. પોલીસની તપાસમા જાણવા મળ્યું કે મૃતક મહિલા કોન્સ્ટેબલ અને મોહન લાંબા સમયથી પ્રેમસંબંધમાં હતા. 29 સપ્ટેમ્બરે મહિલાના ભાઈ-ભાભી ભાવનગરના ગારિયાધાર ખાતે ગયા હતા, જેથી તે ઘરે એકલી હતી. મોહન અમરેલીથી અમદાવાદ અને પછી ગાંધીનગર આવ્યો હતો. બંને વચ્ચે લગ્નના મુદ્દે ઝઘડો થયો હતો અને મોહને કપડાં વડે શ્વાસ રૂંધીને તેની હત્યા કરી નાખી હતી.
આ મામલે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ એલસીબીની ટીમ સક્રિય કરવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસ અને મોબાઈલ CDRની તપાસથી મોહન પારધીને શંકાસ્પદ તરીકે ઓળખવામાં આવ્યો. એલસીબી અને અમરેલી પોલીસની મદદથી તેને અમરેલીથી ઝડપી લેવાયો હતો. પૂછપરછમાં મોહને કબૂલ્યું કે તેણે લગ્નના દબાણને કારણે મહિલાની હત્યા કરી અને દરવાજો બહારથી બંધ કરીને એસ.ટી. બસમાં અમરેલી ભાગી ગયો. હાલ આરોપીની રિમાન્ડ માટે કાર્યવાહી ચાલી રહી છે.
પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો કે મોહન અને મહિલા કોન્સ્ટેબલ 2011-12માં અમરેલીની કોલેજમાં સાથે ભણતા હતા, ત્યાર પછી તેમનો પરિચય પ્રેમમાં બદલાયો. મોહને લગ્નનું વચન આપ્યું હતું, પરંતુ 2015માં તેણે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા, જેનાથી બંનેના સંબંધોમાં વણસ્યા હતા. આમ છતાં તેઓ એકબીજાના સંપર્કમાં રહેતા હતા. 29 સપ્ટેમ્બરે સ્નેપચેટ દ્વારા વાતચીત કર્યા પછી મોહન ગાંધીનગર આવ્યો હતો. લગ્નના દબાણને કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને હત્યા પછી તે નાસી છૂટ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી વધુ માહિતી મળશે, એમ પોલીસે જણાવ્યું હતું.
30 સપ્ટેમ્બરે મહિલાના ભાઈ-ભાભીએ ફોન નહીં ઉપાડતાં પાડોશીને તપાસ કરવા જણાવ્યું. પાડોશીએ દરવાજો ખોલતા મહિલાનો નિર્વસ્ત્ર મૃતદેહ જોવા મળ્યો હતો, ત્યાર પછી 112 ઈમરજન્સી સેવા દ્વારા એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, ત્યાર પછી તપાસમાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. ગાંધીનગર એસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરી. મોબાઈલ CDRથી શંકાસ્પદ નંબર મળ્યો, જે બંધ હતો, અને ટેકનિકલ તપાસથી આરોપી સુધી પહોંચી ગયા. પોલીસ હવે પ્રેમપ્રકરણના દરેક પાસાની તપાસ કરી રહી છે.
આપણ વાંચો: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાનની કચ્છ મુલાકાત ટાંકણે કંડલા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી