વિજ્યાદશમીના પાવન પર્વે મેટ્રો રેલની ટ્રાયલ રન સફળઃ સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની સફરનો માર્ગ મોકળો થશે

ગાંધીનગરઃ પાટનગરમાં મેટ્રોનું નેટવર્ક ધીમે ધીમે વિસ્તારવામાં આવી રહ્યું છે, જેના ભાગરુપે આજે વિજ્યાદશમીના પાવન પર્વે ગાંધીનગરમાં મેટ્રો રેલની ટ્રાયલ રન સચિવાલયથી આગળ વધીને રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી હતી.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે અને હાલ સચિવાલય સુધી દોડવવામાં આવતી મેટ્રો રેલને વધુ પાંચ સ્ટેશન અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16 અને સેક્ટર-24 તથા અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન શરૂ થઈ છે.
આપણ વાંચો: ભારતીય રેલવેની આ ટ્રેન ડિસેમ્બર સુધી થઈ શકે છે શરૂ, જાણો કેવી હશે સુવિધાઓ
આ ટ્રાયલ રન પૂર્ણ થયા પછી કમિશનર મેટ્રો રેલ સેફ્ટી સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવશે અને નૂતન વર્ષના આરંભમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સગવડ મળતી થશે.
આ કામગીરી સફળતાથી પૂરી થવાથી અમદાવાદ અને ગાંધીનગરના કુલ 68 કિલોમીટરના રૂટ પરના 53 સ્ટેશનને મેટ્રો રેલ સુવિધા મળશે અને મુસાફરી વધુ ઝડપી, સસ્તી, આરામદાયક અને પ્રદૂષણમુક્ત બનશે.
રાજ્યમાં સૌથી નબળું પરિવહનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમાં અનેક મહાનગરોમાં દાયકાઓ પૂર્વે મેટ્રો, લોકલ ટ્રેનની સુવિધા છે, પરંતુ પાટનગરની સાથે અમદાવાદ જેવા મહાનગરમાં પણ મેટ્રોની પર્યાપ્ત સુવિધાના અભાવને કારણે નાગરિકોને હજુ પણ મોંઘા પરિવહન અને અનેક હાલાકીનો ભોગ બની રહ્યા છે, એમ સ્થાનિકોએ જણાવ્યું હતું.