ગુજરાતમાં ફરી લમ્પીનો પ્રકોપ: ૧૨ જિલ્લામાં 450થી વધુ કેસ, પશુપાલન વિભાગ હરકતમાં | મુંબઈ સમાચાર

ગુજરાતમાં ફરી લમ્પીનો પ્રકોપ: ૧૨ જિલ્લામાં 450થી વધુ કેસ, પશુપાલન વિભાગ હરકતમાં

રસીકરણની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરાઈ

ગાંધીનગરઃ રાજ્યના કેટલાક વિસ્તારના ગૌ વંશમાં ફરી એકવાર લમ્પી રોગનો ફેલાવો ધ્યાને આવતા પશુપાલન પ્રધાન રાઘવજી પટેલના દિશાનિર્દેશથી રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે લમ્પીગ્રસ્ત પશુઓની ઘનિષ્ઠ સારવાર હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત આસપાસના વિસ્તારોના સ્વસ્થ પશુઓમાં આ રોગ પ્રસરે નહિ, તે માટે સઘન રોગપ્રતિકારક રસીકરણ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.

વરસાદી વાતાવરણમાં મચ્છર/માખીઓનો ઉપદ્રવ વધતા રાજ્યના ૧૨ જિલ્લાના ૧૭૨ ગામમાં લમ્પીના અત્યાર સુધીમાં ૪૬૨ કેસ નોંધાયા હતા. રાજ્યના ગૌ વંશને મચ્છર/માખીથી ફેલાતા આ લમ્પી રોગથી બચાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા તુરંત જ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેવામાં આવી હતી અને લમ્પીગ્રસ્ત પશુઓને અલગ કરીને તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી.

આપણ વાંચો: કચ્છમાં ફરી ફેલાયો લમ્પીઃ 58 ગામમાં 91 કેસ નોંધાયા…

પશુ ચિકિત્સકો દ્વારા અસરગ્રસ્ત પશુઓને ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી હતી, જેના પરિણામે ૪૨૬ પશુઓ સ્વસ્થ થયા હતા. જ્યારે, ૨૮ પશુઓ સારવાર હેઠળ છે. પશુપાલન વિભાગ દ્વારા સારવાર હેઠળના અસરગ્રસ્ત ગૌ વંશનું નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિદ્રારકા, જામનગર, મોરબી, અમરેલી, બોટાદ, કચ્છ, સુરત, નવસારી, તાપી અને અમદાવાદને મળીને કુલ ૧૨ અસરગ્રસ્ત જિલ્લામાં પશુઓને લમ્પીથી રક્ષિત કરવા સર્વેલન્સ અને રસીકરણની કામગીરી પણ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.

આપણ વાંચો: કચ્છના આ શહેરોમાં પશુઓમાં ફરી દેખાયો લમ્પીરોગઃ માલધારીઓ ફફડ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૌ વંશને લમ્પી રોગ સામે રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાના ૭ લાખથી વધુ પશુઓને મળીને સમગ્ર રાજ્યના કુલ ૨૩ લાખથી વધુ પશુઓનું વર્ષ ૨૦૨૫ દરમિયાન રોગપ્રતિકારક રસીકરણ કરવામાં આવ્યું હતું.

આ રસીકરણના પરિણામે જ ગુજરાતના મહત્તમ પશુઓને લમ્પીમુક્ત રાખવામાં સફળતા મળી છે. રાજ્યમાં હજુ પણ ક્યાંય પશુઓમાં લમ્પી રોગ જણાય તો પશુપાલકોએ તુરંત જ ટોલ ફ્રી નંબર-૧૯૬૨ પર સંપર્ક કરીને અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા જણાવાયું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button