બાગાયત ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું,આ તારીખ પહેલા કરો અરજી

ગાંધીનગરઃ રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવે છે. આવી યોજનાનો લાભ લઈ ઘણા ખેડૂતો સદ્ધર બન્યા છે. રાજ્ય સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ-ખેડૂત પોર્ટલને ખુલ્લુ મુકવામાં આવ્યું છે. બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળના ૪૭ ઘટકોમાં ઓનલાઈન નવી અરજીઓ મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
જેમાં લાભ લેવા માંગતા ખેડૂતોએ અરજી કરતાં પહેલા ખેડૂત નોંધણી કરવી ફરજિયાત છે. તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે. એક મોબાઈલ નંબર થી એક જ નોંધણી શક્ય બનશે ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે.તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસેજ રાખવાની રહેશે. પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પુર્ણ થયા બાદ તમામ અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને યાદી તૈયાર કરવામાં આવશે. જે બાગ પૂર્વ મંજૂરી આપવામાં આવશે, મંજૂરી મળ્યા બાદ ક્લેઈમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી કાગળો જમા કરાવવાના રહેશે.
કયા ઘટકોમાં અરજી કરી શકાશે?
મુખ્ય ઘટકો જેવા કે ફળ પાક વાવેતર આંબા,ટીસ્યુ કેળ, કમલમ,પપૈયા,નાળિયેરી,જામફળ.લીંબુ, વગેરે, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ(વનબંધુ),પ્લગ નર્સરી (વનબંધુ),શાકભાજીની પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી વાવેતર,સરગવાની ખેતી ,પાણીના ટાંકા, બાગાયતી પાકોના પ્રોસેસીંગના નવા યુનિટ,પેકિંગ મટીરિયલ,ક્રોપ કવર/ બંચ કવર/ગ્રો કવર, જુના બગીચાઓનું નવીનીકરણ, કાચા / અર્ધપાકા/પાકા ટ્રેલીઝ-મંડપ, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, ટુલ્સ, ઇક્યુપમેન્ટ, શોર્ટીગ, ગ્રેડીગના સાધનો તથા પી.એચ.એમ ના સાધનો માટે નો સહાયનો કાર્યક્રમ,મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઈપેડ) જેવા ઘટકોમાં અરજી કરી શકાશે.
કેવી રીતે કરશો અરજી?
આઈ ખેડૂત પોર્ટલ પર સહાય યોજનાઓની ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂતો ગ્રામ પંચાયતમાં વી.સી.ઇ. પાસે અરજી કરાવી શકશે. આ ઉપરાંત આઈ ખેડૂત પોર્ટલ પરની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી માટે જે તે ગામના ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
કયા પુરાવાની પડશે જરૂર?
7/12, 8-અ નો ઉતારો
આધાર કાર્ડની નકલ
બેંક પાસબુક / રદ્દ કરેલો ચેક
i-Khedut પોર્ટલ પર કઈ કઈ માહિતી મળે છે?
વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી
યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી
લાભાર્થીઓની યાદી
ડિલર પાસે ઉપલબ્ધ કૃષિ વિષયક સાધન સામગ્રીની વિગતો
કૃષિ ધિરાણ આપનાર બેંક/સંસ્થાની માહિતી
અદ્યતન કૃષિ માહિતી
કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ,સીના બજાર ભાવ
ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ
ખેતીની જમીન ખાતાની વિગતો
હવામાનની માહિતી
આ પણ વાંચો…ગુજરાતના ખેડૂતો આંગળીના ટેરવે હવામાન, જીવાત ઉપદ્રવની માહિતી મેળવી શકશે, જાણો આ ખાસ સ્કીમ વિશે…