ગુજરાતમાં ભારે વરસાદની આગાહી! અમદાવાદ અને ગાંધીનગર ધમરોળાશે, રાજ્યભરમાં યલો એલર્ટ જાહેર | મુંબઈ સમાચાર

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી! અમદાવાદ અને ગાંધીનગર ધમરોળાશે, રાજ્યભરમાં યલો એલર્ટ જાહેર

ગાંધીનગરઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાનો છે. જેના કારણે આખા રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં અને વરસાદી ટ્રફ લાઈન પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગત રાત્રિએ પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે ગઈ કાલે રાત્રે આવેલા વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતાં. કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયાં હતાં.

રાજ્યમાં યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું

આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે આજે રાજ્યમાં યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદ થઈ શકે છે. આ વખતે ચોમાસુ થોડું વહેલું આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ વર્ષે જરૂરિયાત કરતા વધારે વરસાદ થવાની સંભાવના પણ વર્તાઈ રહી છે. 2025નું ચોમાસુ ભારે પણ રહી શકે છે. કારણ કે, કેરળ અને મહારાષ્ટ્રમાં તો ચોમાસુ બેસી ગયું છે. હવે થોડા દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસુ બેસી જવાનું છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો, અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી અને સાબરકાંઠામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમાંથી મોટાભાગના જિલ્લામાં ગઈ કાલે રાત્રે વરસાદ થયો હતો. દરિયા કિનારે આવેલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે 30 મેથી લઈને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો…ગુજરાતમાં મે મહિનામાં મેઘમહેર: સામાન્યથી 20 ટકા વધુ વરસાદ નોંધાયો

સંબંધિત લેખો

Back to top button