ગાંધીનગર

ગુજરાતના પરિવહન વિભાગની ઉદાસીનતા: રૂ.1,091 કરોડ ગેરરીતિ, 13 વર્ષ બાદ પણ કાર્યવાહી ન થઇ

ગાંધીનગર: તાજેતરના એક અહેવાલમાં ગુજરાતના પરિવહન વિભાગની ગંભીર ઉદાસીનતા માહિતી પ્રકાશમાં આવી છે. એક અહેવાલમાં ખુલાસો થયો છે કે વહીવટમાં ગંભીર ભૂલો માટે જવાબદાર સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં નથી આવી રહી. કંટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) અને પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC) એ જવાબદાર અધિકારીઓ પર દંડની ભલામણ કરી હતી.

તાજેતરના બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં રજૂ કરાયેલા PAC રિપોર્ટમાં અધિકારી સામે કાર્યવાહી કરવા નિષ્ક્રિયતા પ્રકાશમાં આવી છે. PACએ ગૃહમાં “જવાબદારી સુનિશ્ચિત કરવામાં અને રાજ્યના હિતોનું રક્ષણ કરવામાં વરિષ્ઠ અધિકારીઓની નિષ્ફળતા” ટાઈટલ સાથેનો એક રીપોર્ટ રજુ કર્યો હતો. PACએ ઉદાસીનતા દાખવવા બદલ પરિવહન વિભાગની ઝાટકણી કાઢી હતી.

30 જૂન, 2012 સુધીમાં CAG ની ઓફિસે પરિવહન વિભાગ હેઠળ વિહિકલ ટેક્સમાં ગેરરીતિઓ સંબંધિત 410 ઓડિટ રિપોર્ટ્સમાં 1,654 પેન્ડિંગ ઓડિટ ઓબ્ઝર્વેશનની નોંધ કરી હતી. CAG એ રૂ.1,091 કરોડ રૂપિયાની અનિયમિતતા શોધી કાઢી હતી. પરંતુ 13 વર્ષ પછી પણ ભૂલ કરનારા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો…ગુજરાતના શહેરોના ઝડપી વિકાસ માટે સરકારનો મોટો નિર્ણય, 1203 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી

એક દાયકા બાદ જવાબ દાખલ કર્યો:

એક દાયકા કરતાં વધુ સમય પછી, સપ્ટેમ્બર 2024 માં, પરિવહન વિભાગે PAC ને જવાબ રજૂ કર્યો પરંતુ કોઈ સ્પષ્ટતા આપવામાં આવી ન હતી. PAC એ અગાઉ બે વાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. છતાં, કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. સમિતિને 24 સપ્ટેમ્બર 2024 ના રોજ તેની બેઠકમાં ફરી એક વાર કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી.

PAC ની ભલામણોના અમલીકરણની સ્થિતિ અંગે પરિવહન વિભાગે સ્પષ્ટ જવાબ આપ્યો નથી. PACએ માર્ચ 2025 માં વિધાનસભાને આપેલા અહેવાલમાં ખેદ સાથે જણાવ્યું હતું કે AG નો જૂન 2012 ના ઓડિટ સંબંધિત કેસ હજુ પણ ઉકેલાયો નથી છે.

PACએ કાર્યવાહી માટે માંગ કરી:

PACએ હવે વિભાગને આવા ઓડિટ ઓબ્ઝર્વેશન સમયસર અને જવાબદાર રીતે થઇ શકે એ માટે એક અસરકારક પદ્ધતિ વિકસાવવા વિનંતી કરી છે. તેમાં ખાસ કરીને એકાઉન્ટન્ટ જનરલ (AG) દ્વારા પૂછવામાં આવેલા ઓડિટ પ્રશ્નોના નિયત સમયમર્યાદામાં જવાબ આપવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો… ગુજરાતમાં પહેલી મેથી થશે સ્‍ક્રેપ પોલિસીનો અમલ; રાજ્યમાં આઠ વર્ષ જૂના અંદાજે ૪૫ લાખ વાહનો…

PACએ ફરી એકવાર એવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેઓ સમયમર્યાદામાં બાકી રકમ વસૂલવામાં અથવા નુકસાન થતું અટકાવવામાં નિષ્ફળ ગયા છે. નિયમ મુજબ વિભાગને એજીની ઓફિસને જવાબ આપવા માટે એક મહિનાની ડેડ લાઈન આપવામાં આવી છે, જેમાં આગળની કાર્યવાહીની વિગતો આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button