ભ્રષ્ટાચાર મુક્ત થશે ગુજરાતની પંચાયતો: ભ્રષ્ટ હોદ્દેદારોને હટાવવા લેવાયો કડક નિર્ણય

ગાંધીનગર: ભ્રષ્ટાચાર દેશના સૌથી મોટા દૂષણો પૈકીનું એક દૂષણ છે. જેને નાથવા માટે સરકાર સમયાંતરે પોતાના નિયમો કડક બનાવી રહી છે. ગુજરાત સરકારે રાજ્યની પંચાયતી રાજ સંસ્થાઓને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે એક અત્યંત કડક પગલું ભર્યું છે. સરકારે એક નવું રાજપત્ર (Gazette) જાહેર કર્યું છે, જે અંતર્ગત અધિકારીઓને ચૂંટાયેલા હોદ્દેદારો સામે કાર્યવાહી કરવા માટે અભૂતપૂર્વ સત્તાઓ આપવામાં આવી છે.
DDO ને તાત્કાલિક પગલાં લેવાની સત્તા
નવી જોગવાઈ મુજબ, હવેથી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના કોઈપણ હોદ્દેદાર સામે જો ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થશે, તો જિલ્લા વિકાસ અધિકારી (DDO) તેમને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવી શકશે. ભ્રષ્ટાચારની તપાસ અને પગલાં લેવાની સંપૂર્ણ સત્તા DDO અને તેમનાથી ઉપરના અધિકારીઓને સોંપવામાં આવી છે. આનાથી તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો જેવા ઉચ્ચ હોદ્દા પર બેઠેલા પ્રતિનિધિઓ સામે પણ નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહી કરી શકાશે.
ફરિયાદ પ્રક્રિયા સરળ બની
આ નિર્ણયની સૌથી મોટી અસર એ થશે કે હવે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા માટે જટિલ કાયદાકીય પ્રક્રિયાની જરૂર રહેશે નહીં. અધિકારીઓ માત્ર સાદી અરજી કે પછી મળેલી મૌખિક બાતમીના આધારે પણ ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, પંચાયતી રાજના ઇતિહાસમાં પ્રથમ વખત, ચૂંટાયેલા હોદ્દેદારો સામે કાર્યવાહી કરવાની સીધી સત્તા અધિકારીઓને આપતું આ રાજપત્ર રાજ્ય સરકારની ભ્રષ્ટાચાર વિરુદ્ધની નીતિની ગંભીરતા સ્પષ્ટ કરે છે.



