ગાંધીનગર

ડ્રાફ્ટ મદતાર યાદીમાં કેટલા લોકોએ વાંધા અરજીઓ કરી? હજી કેટલા દિવસ બાકી…

ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના મુસદ્દા (ડ્રાફ્ટ) મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી.

પ્રસ્તાવિત ડ્રાફ્ટ યાદી પ્રમાણે ગુજરાતમાં અત્યારે કુલ 4 કરોડ 34 લાખ મતદારની નોંધણી થઈ છે. એસઆઈઆર પ્રક્રિયા બાદ 73 લાખ 73 હજાર 327 મતદારો કમી કરવામાં આવ્યાં છે. આ સાથે 9 લાખ 69 હજાર 661 મતદારો તેના સરનામે મળ્યાં જ નથી.

3,81,470 ડુપ્લિકેટ મતદારના નામ દૂર કરાયા

વધારે વિગતે વાત કરવામાં આવે તો, એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન 3,81,470 ડુપ્લીકેટ મતદારોના નામ દૂર કરાયા, 40, 25,553 મતદારોનું કાયમી સ્થળાંતર કર્યું હોવાનુ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 18,07,278 મૃતક મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. હવે તારીખ 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું.

ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા પહેલા 69,760 ફોર્મ આવ્યાં

સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે, પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય. મળતી વિગતો પ્રમાણે આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તારીખ 23 ડિસેમ્બર સુધીમાં કુલ 92,235 નાગરિકો તરફથી ફોર્મ 6/ 6A મળ્યા છે, જેમાંથી 69,760 ફોર્મ ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા પહેલા અને 22,475 ફોર્મ ત્યારપછી મળ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે કુલ 13,331 નાગરિકો તરફથી ફોર્મ 7 મળ્યા છે. જે પૈકી 11,074 મુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા પહેલા અને 2,257 ત્યારપછી મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.

આપણ વાંચો:  ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ: સરકારે જમીન વળતર અને રસ્તાના પ્રશ્નો ઉકેલવા આપ્યા આદેશ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button