ગુજરાતમાં ઉજવાઈ રહ્યું છે શહેરી વિકાસ વર્ષ! ભૂપેન્દ્ર પટેલે શહેરોના વિકાસ માટે 4179 કરોડ રૂપિયા ફાળવ્યાં
નવરચિત મહાનગરપાલિકા સહિત 7 મહાનગરપાલિકા અને 12 નગરપાલિકાઓને મળશે જન સુખાકારીના કામોનો લાભ

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણની પ્રતિબદ્ધતા સાથે ઉજવાઇ રહેલા શહેરી વિકાસ વર્ષ-2025 અન્વયે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ અને 12 નગરપાલિકાઓને બહુવિધ વિકાસ કામો માટે 4179 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન તરીકે વર્ષ 2005માં શહેરી વિકાસ વર્ષ દ્વારા આયોજનબદ્ધ શહેરી વિકાસનો જે પાયો નાખ્યો હતો. તેની બે દાયકાની સિદ્ધિ અને સફળતાને પગલે રાજ્ય સરકાર દ્વારા 2025નું આ વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.
4179 કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ શહેરી વિકાસ વર્ષમાં પરિવર્તનશીલ શહેરી વિકાસ માટેની નેમ સાથે શહેરોમાં વધુને વધુ જનસુખાકારીના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્ય પ્રધાન શહેરી વિકાસ યોજના અંતર્ગત આ 4179 કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ રકમ મહાનગરો-નગરો માટે ફાળવવામાં આવી છે, તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને નવરચિત 3 મહાનગરપાલિકાઓ નડિયાદ, પોરબંદર અને મોરબી તથા નગરપાલિકાઓમાં વિસનગર, બોરસદ, વિરમગામ, પાટણ, આમોદ, ઉના, હળવદ, ખંભાળિયા, સાવરકુંડલા, ધાનેરા તેમજ વેરાવળ અને પાટણ નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્ય પ્રધાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટના કામો માટે રૂપિયા 3768 કરોડ ફાળવ્યા છે. તેમાં વડોદરા મહાનગરપાલિકાને અર્બન મોબિલિટી અને ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓના 349 કામો માટે રૂપિયા 455 કરોડ, રાજકોટને 302 કામો માટે રૂપિયા 369 કરોડ અને અમદાવાદને 252 કામો માટે રૂપિયા 2940 કરોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નવરચિત પોરબંદર મહાનગરપાલિકામાં 11 કામો માટે 6.20 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
ગૌરવ પથ નિર્માણ પણ કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યાં
શહેરી વિકાસ વર્ષમાં મહાનગરો અને નગરો-શહેરોમાં આઇકોનિક રોડ અન્વયે શહેરી સડક તેમજ ગૌરવ પથ નિર્માણ માટે સમગ્રતયા 219 કરોડ રૂપિયાના કામો મંજૂર થયા છે. તેમાં મોરબી મહાનગરપાલિકાને રૂપિયા 15 કરોડ, નડિયાદ મહાનગરપાલિકાને રૂપિયા 13 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂપિયા 136 કરોડ અને નગરપાલિકાઓમાં ઉનાને રૂપિયા 17.76 કરોડ, હળવદને રૂપિયા 19.28 કરોડ તથા ખંભાળિયાને પાંચ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.
સ્ટોર્મ વોટર ડ્રેનેજ કામો આટલા રૂપિયા ફાળવવામાં આવ્યાં
ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત પાણી પુરવઠા લાઈનોના કામો અને વરસાદી પાણીના નિકાલ માટેના સ્ટોર્મ વોટર ડ્રેનેજ કામો માટે કુલ 93 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ રકમમાંથી મોરબી મહાનગરપાલિકાને રૂપિયા 61.64 કરોડ, સાવરકુંડલા નગરપાલિકાને રૂપિયા 19.28 કરોડ અને ધાનેરાને રૂપિયા 11.31 કરોડ ફાળવાયા છે. નગરોમાં આગવી ઓળખના કામો માટે વેરાવળ-પાટણ નગરપાલિકા અને આમોદ નગરપાલિકાને 14 કરોડ રૂપિયા તથા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે વિસનગર, બોરસદ અને વિરમગામને 2.72 કરોડ રૂપિયાના કામોની અનુમતી આપી છે. આ સાથે આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટ માટે 80 કરોડ રૂપિયા રાજકોટને અને 2.72 કરોડ રૂપિયા પાટણને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવાયા છે.
અર્નિંગ વેલ – લિવિંગ વેલનો મંત્ર સાકાર થશે
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષમાં નાગરિક કેન્દ્રિત શહેરોના નિર્માણના ધ્યેય સાથે અર્નિંગ વેલ – લિવિંગ વેલના મંત્રને સાકાર કરીને સ્માર્ટ, સસ્ટેઈનેબલ અને ગતિશીલ શહેરી કેન્દ્રો બનાવવા રાજ્યના શહેરો અને નગરોમાં સુવિધા-સુખાકારીના વિકાસ કામોને પ્રાથમિકતા આપવાના હેતુસર આ 4179 કરોડ રૂપિયાના કામો ની સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી છે.
આ પણ વાંચો…મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 1.74 લાખ કરોડના 32 વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી