ગાંધીનગર

ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધતા ગુજરાત સરકારે લીધા મોટા નિર્ણયઃ કર્મચારીઓની રજાઓ રદ્દ

ફટકડા ફોડવાનો પ્રતિબંધ, આરોગ્ય વિભાગને તમામ પરિસ્થિતિમાં પહોંચી વળવાનો આપ્યો આદેશ

ગાંધીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગ બની રહેલા સબંધો અને સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનની નાપાક હરકતોને ધ્યાને લઈ ગુજરાત સહિતનાં સરહદી રાજ્યોમાં હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે.

ત્યારે ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી રાજ્યના તમામ વિભાગો અને તેમની હસ્તકની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ રદ કરવાનો આદેશ કર્યો છે.

આપણ વાંચો: રજાઓ રદ, શાળાઓ બંધ: પંજાબ, રાજસ્થાન, ગુજરાત સહિત રાજ્યોમાં હાઇ એલર્ટ

હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 9મી મે, 2025ના રોજ જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તે ઉપરાંત, વિભાગના વડા/ખાતાના વડા/કચેરીના વડાની પૂર્વ મંજૂરી વિના કોઈપણ અધિકારી કે કર્મચારીને મુખ્ય મથક છોડવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

આપણ વાંચો: અમદાવાદ કલેક્ટર કચેરીના તમામ કર્મચારીઓની રજાઓ રદ, હેડક્વાર્ટર ન છોડવા આદેશ

ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

તે ઉપરાંત ગુજરાત સરકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પરના તણાવને ધ્યાને લઈને આગામી આગામી 96 કલાક સુધી ડ્રોન ઉડાડવા અને 15 મે સુધી રાજ્યમાં અવાજ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.

બનાસકાંઠા અને પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં વિશેષ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા આ ગાઇડલાઇનનું પાલન કરવા અને સહકાર આપવા માટે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે, જેથી કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળી શકાય.

આપણ વાંચો: શંભુ બોર્ડર પર 1200 ટ્રેક્ટર-ટ્રોલી, 14 હજાર લોકોની ભીડ…

આરોગ્ય સેવાઓની તૈયારીઓની સમીક્ષા

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને પગલે ગુજરાતના આરોગ્ય વિભાગે સરહદી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની તૈયારીઓની સમીક્ષા કરી છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વિડિયો કોન્ફરન્સ દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજીને દવાઓ, બેડ, આઈસીયુ અને બ્લડ બેંકની સ્થિતિની માહિતી મેળવી હતી.

ઋષિકેશ પટેલે સરહદી જિલ્લાઓમાં કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં તમામ જિલ્લાઓમાં જરૂરી દવાઓનો સ્ટોક અને અન્ય તબીબી સુવિધાઓની ઉપલબ્ધતાની ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button