ગાંધીનગર

ગુજરાતમાં જમીન સરવેમાં સુધારણા માટેની અધધધ 4 લાખ અરજી પેન્ડિંગ, કરોડોનો ખર્ચ પાણીમાં

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી ચાલી રહેલી જમીન રિ-સરવેની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરીમાં રહેલી વ્યાપક ભૂલો અને પેન્ડિંગ પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકારે વહીવટી તંત્રના વિકેન્દ્રીકરણનો મોટો નિર્ણય લીધો છે. વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે હવે જમીન માપણી તંત્રને તાલુકા કક્ષાએ લઈ જવામાં આવશે. જેનાથી આ કામગીરી ઝડપી બનશે.

3 થી 4 વર્ષમાં પૂર્ણ થશે કામગીરી

સેટલમેન્ટ કમિશનર બીજલ શાહ દ્વારા તમામ કલેક્ટરોને પત્ર લખીને દરખાસ્તો મંગાવવામાં આવી છે. DILR, સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ અને હક્ક ચોકસી અધિકારી જેવી વર્ગ-2ની કચેરીઓ હવે જિલ્લા કક્ષાએથી ખસેડીને તાલુકા કક્ષાએ કાર્યરત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ નિર્ણયને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને તેની સત્તાવાર જાહેરાત ફેબ્રુઆરીમાં બજેટ સત્ર દરમિયાન થવાની શક્યતા છે. આ ફેરફારથી અટકેલી પ્રક્રિયા આગામી 3 થી 4 વર્ષમાં પૂર્ણ થવાનો અંદાજ છે.

400 કરોડનો ખર્ચ છતાં 5 લાખ અરજી પેન્ડિંગ

રિ-સરવે બાદ નામ, માપણી કે ક્ષેત્રફળ જેવી ભૂલો સુધારવા માટે ખેડૂતોને મોટી રાહત અપાઈ છે. વાંધા અરજી રજૂ કરવાની મુદત સતત 10માં વર્ષે વધારીને હવે 31મી ડિસેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી છે. રાજ્યના કુલ 18,509 ગામોમાંથી આશરે 10,759 ગામોમાં પ્રમોલગેશન પૂર્ણ થયું છે, જ્યારે હજુ 7,000 જેટલા ગામોમાં કામગીરી બાકી છે.

જોકે, જમીન રિ-સરવેની કામગીરી પાછળ અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે. વર્ષ 2016-17માં નવા રેકોર્ડ બાદ વ્યાપક ફરિયાદો ઉઠતા ઓગસ્ટ 2018માં કામગીરી પર રોક લગાવી સુધારા પ્રક્રિયા શરૂ કરવી પડી હતી. હાલમાં દોઢ કરોડ જેટલા સરવે નંબરોનું માપ નક્કી કરવાનું બાકી છે અને આશરે 5 લાખ જેટલી વાંધા અરજીઓ પેન્ડિંગ છે.

જમીન માપણીમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે આદેશ

માપણીમાં થતા ભ્રષ્ટાચારના આક્ષેપો અને વિલંબને રોકવા માટે મહેસૂલ વિભાગે નવો આદેશ કર્યો છે. સરકારી જમીનની માપણીનું મોનિટરિંગ હવે સીધું વિભાગ સ્તરેથી ‘આઈ મોજણી’ પોર્ટલ દ્વારા કરવામાં આવશે. iORA પોર્ટલ પર અરજી અને ફી ભર્યા બાદ આઈ મોજણી પોર્ટલ પર ડેટા જનરેટ થવાથી કામગીરીમાં વધુ પારદર્શિતા આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button