ગાંધીનગર

રાજ્યના 25 જિલ્લામાં 370 જ્વેલરી શોરૂમ પર તપાસઃ જાણો કયા કયા નિયમોનો થયો ભંગ?

ગાંધીનગરઃ ગ્રાહકોના હિતોની રક્ષા, વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ અભિયાનના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા બાબતોના પ્રધાન રમણ સોલંકી, રાજ્ય પ્રધાન પી. સી બરંડાના નેતૃત્વમાં તોલમાપ તંત્ર દ્વારા બે દિવસ રાજ્યના 370 જેટલા સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમ પર સામૂહિક આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી.

આપણ વાચો: ગેસ સિલિન્ડરના વપરાશ અને સુરક્ષા માટે જનજાગૃતિ અભિયાન…

25 જિલ્લામાં 253 પ્રોસિક્યુશન કેસ દાખલ કરાયા

તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્યના 25 જિલ્લાઓમાં 253 પ્રોસિક્યુશન કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને રૂપિયા 6,79,000/-જેટલી માંડવાળ ફીની વસૂલાત કરવામાં આવી છે. આ તમામ માંડવાળ ફીની વસૂલાત સ્થળ ઉપર જ E POS-upi-e payment અને ચેકથી વસૂલવામાં આવી છે.

સૌથી વધુ પ્રોસિક્યુશન કેસ અમદાવાદમાં નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 61 એકમની તપાસ સામે 22 કેસ, ભરૂચ-નર્મદામાં 27 એકમોની તપાસ સામે 25 કેસ, જૂનાગઢ-ગીરસોમનાથમાં 21 એકમોની તપાસ સામે 20 કેસ, ભાવનગર/બોટાદમાં 20 એકમની તપાસ સામે 17 કેસ તથા સુરતમાં 20 એકમોની તપાસ સામે 14 કેસ દાખલ કરવામાં આવ્યા છે.

આ સિવાય તપાસમાં ગાંધીનગર, વડોદરા,પાટણ ,છોટાઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા-પાલનપુર, સાબરકાંઠા-હિંમતનગર, અરવલ્લી-મોડાસા, રાજકોટ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે.

આપણ વાચો: ગેસ સિલિન્ડરના અકસ્માતો રોકવા મુંબઈ મહાનગરપાલિકાએ શરૂ કર્યું વિશેષ કામ

નિયમનો ભંગ કરવા બદલ કાર્યવાહી હાથ ધરાઈ

નિયત કાયદા હેઠળના અમલીકરણ નિયમ/કલમોના ભંગ બદલ એકમો સામે ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઝુંબેશ દરમિયાન સોના-ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમમાં વપરાતા વજનકાંટાની તપાસ કરતાં ચકાસણી-મુદ્રાંકન સિવાયના વજન-માપ ઉપયોગમાં લેવા, નિયત વજન કરતાં ઓછું વજન આપવું, ફેર ચકાસણી અને મુદ્રાંકન કરાવ્યા સિવાયના વજનમાપ ઉપયોગમાં લેવા, ચોકસાઈ ચકાસવા માટે ચકાસણી અને મુદ્રાંકન થયેલ સિવાયના વજનો રાખવા, ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું જેવી વિવિધ ગેરરીતિઓ સામે આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button