
CMOથી લઈને નાણાં અને ગૃહ વિભાગ સુધીના ઉચ્ચ અધિકારીઓના કાર્યક્ષેત્ર બદલાયા
ગાંધીનગર: રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર કરતા ગુજરાત સરકાર દ્વારા મોટી સંખ્યામાં IAS અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ ફેરબદલમાં CMOથી લઈને ગૃહ, નાણાં, શિક્ષણ અને ઊર્જા જેવા મહત્વના વિભાગોના ઉચ્ચ અધિકારીઓના કાર્યક્ષેત્ર બદલાયા છે.
IAS સંજીવ કુમારને મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ ગૃહ વિભાગનો પણ વધારાનો હવાલો સંભાળશે. આ સાથે જ ડો. વિક્રાંત પાંડેને મુખ્ય પ્રધાનના અધિક અગ્ર સચિવ અને અજય કુમારને મુખ્ય પ્રધાનના સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે.
વહીવટી તંત્રમાં થયેલા અન્ય મહત્વના ફેરફારોમાં અશ્વિની કુમારને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ, જ્યારે મિલિંદ તોરવણેને શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક) ના અગ્ર સચિવ બનાવવામાં આવ્યા છે. અવંતિકા સિંઘને GSPCના મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. કૃષિ વિભાગમાં રમેશચંદ મીનાને અગ્ર સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે, જ્યારે અંજુ શર્મા હવે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવશે.
નાણાં વિભાગમાં પણ મોટા ફેરફાર જોવા મળ્યા છે, જેમાં સંદીપ કુમારને સચિવ અને જેનુ દેવનને સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આરતી કનવરને અમદાવાદના સ્ટેટ ટેક્સના ચીફ કમિશનર તરીકે જવાબદારી સોંપાઈ છે. આરોગ્ય વિભાગમાં રાજીવ ટોપનોને અગ્ર સચિવ અને ડો. સંધ્યા ભુલ્લરને હેલ્થ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રે ડો. કુલદીપ આર્યને સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
આ બદલીઓમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મોહમ્મદ શાહિદને હવે આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ બનાવવામાં આવ્યા છે, જ્યારે હર્ષદ પટેલને સામાજિક ન્યાય વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. લોચન સેહરાને શ્રમ અને રોજગાર વિભાગના સચિવ અને રાજકુમાર બેનીવાલને GNFC ભરૂચના મેનેજિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો…બિહાર વિધાનસભા ચૂંટણી: ગુજરાતના ૧૦ IAS અધિકારીઓની નિરીક્ષક તરીકે નિમણૂક



