ગાંધીનગર

ગુજરાતની આરોગ્ય ક્ષેત્રે અનોખી સિદ્ધિ, માતૃ મૃત્યુ દરમા 50 ટકાનો ઘટાડો

ગાંધીનગર : ગુજરાતે આરોગ્ય ક્ષેત્રમા લોકોના સારા સ્વાસ્થ્ય માટે અનેક યોજનાઓ લાગુ કરી છે. જેના પગલે રાજ્યએ આરોગ્ય ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. સરકારે માતૃ સ્વાસ્થ્યને સુધારવા માટે કરેલા પ્રયાસો દ્વારા માતૃ મૃત્યુ દરમાં 50 ટકાનો નોંધપાત્ર ઘટાડો હાંસલ કર્યો છે. ગુજરાતનો માતૃ મૃત્યુ દર વર્ષ 2011-12માં 112 હતો. જે 2020માં જાહેર થયેલા ડેટા મુજબ ઘટીને 57 થયો છે.

20 મૅટરનિટી આઈસીયુની સ્થાપના કરી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દર વર્ષે 14 લાખથી વધુ સગર્ભા સ્ત્રીઓને સમયસર ગુણવત્તાયુક્ત તપાસ, રસીકરણ અને પોષણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ગુજરાતે માતૃ અને બાળ સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે 121 ફર્સ્ટ રેફરલ યુનિટ્સ (FRUs),153 બ્લડ સ્ટોરેજ યુનિટ્સ અને 20 મૅટરનિટી આઈસીયુની સ્થાપના કરી છે, જેથી કટોકટીની સ્થિતિમાં સમયસર અને સુરક્ષિત સારવાર સુનિશ્ચિત થઈ શકે. આના પરિણામે, રાજ્યએ 99.97 ટકા સંસ્થાકીય ડિલિવરી દર હાંસલ કરીને રાષ્ટ્રીય સ્તરે બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.

શિશુ મૃત્યુ દરમા 57.40 ટકાનો નોંધપાત્ર ઘટાડો

રાજ્ય સરકાર ટકાઉ વિકાસ લક્ષ્યો અનુરૂપ 2030 સુધીમાં શિશુ મૃત્યુ દરને સિંગલ ડિજિટમાં લાવવાના લક્ષ્યની દિશામાં કામ કરી રહી છે. આ પ્રયાસોના પરિણામે, ગુજરાતમાં શિશુ મૃત્યુ દરમાં 2005માં 1,000 લાઇવ બર્થ દીઠ 54થી ઘટીને 2020માં 23 થયો છે, જે 57.40 ટકાનો નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં હોમ-બેઝ્ડ ન્યુબોર્ન કેર અને હોમ-બેઝ્ડ યંગ ચાઇલ્ડ કેર જેવી મુખ્ય પહેલોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બાળકોના ‘વિકાસ’ની સ્થિતિ છે ગંભીર, કેગના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો…

58 સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ્સ

આ ઉપરાંત, SAANSઅને સ્ટોપ ડાયેરિયા જેવા અભિયાનો તેમજ નવજાત શિશુની સંભાળ માટે ગુજરાતનું મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં 58 સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ્સ ,138 ન્યુબોર્ન સ્ટેબિલાઇઝેશન યુનિટ, અને 1,083 ન્યુબોર્ન કેર કોર્નર નો સમાવેશ થાય છે, તેણે પણ આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button