સરહદ પર તણાવ અને ડ્રોન હુમલા વચ્ચે ગુજરાત સરકાર સતર્ક, સરહદી વિસ્તારોમાં સુરક્ષા પગલાની કરી સમીક્ષા

ગાંધીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અને પાકિસ્તાન દ્વારા કરવામાં ભારતનાં અન્ય સરહદી રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કરવામાં આવી રહેલા ડ્રોન હુમલાના પ્રયાસોની પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના સરહદી વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલા સુરક્ષા પગલાંની માહિતી મેળવવામાં આવી હતી.
વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ રહેવા નિર્દેશ
ભારત પાકિસ્તાન સરહદ પર તણાવની પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય એજન્સીઓના સંકલનમાં રાજ્ય સરકાર નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા, પરિવહન અને સંદેશાવ્યવહાર પ્રણાલીઓ સતત કાર્યરત રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્ય પ્રધાને કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ રહેવા માટે જરૂરી નિર્દેશો આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગઈકાલ રાત્રે CM ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. જેમાં રાજ્યનાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવેલા છે તે સંદર્ભમાં વહીવટી તંત્ર, પોલીસ અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઇ રહેલી સુરક્ષા-સલામતીની આગોતરી વ્યવસ્થાની વિગતો પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવી હતી.
154 તબીબી અધિકારીઓને સોંપાઈ ફરજ
દેશ અને રાજ્યમાં હાલમાં સર્જાયેલી આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેવાઓ સતત કાર્યરત રહે તે અત્યંત જરૂરી છે. આને અનુલક્ષીને રાજ્યના સરહદી જિલ્લાઓ જેવા કે જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ ખાતે તબીબી અધિકારી વર્ગ-૨ ની નિમણૂક કરવામાં આવી છે. સરકારના આદેશ અનુસાર જુદા જુદા જિલ્લાના 154 તબીબી અધિકારીઓને સરહદી જિલ્લાઓમાં ફરજ સોંપવામાં આવી છે.
આ પણ વાંચો…ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ: કચ્છમાં બ્લેકઆઉટ, 154 તબીબી અધિકારીને સોંપી જવાબદારી…