ગુજરાતના રાજ્યપાલ ફરી ‘કોમન મેન’ના અંદાજમાં જોવા મળ્યાઃ એસટી બસની મુસાફરી કરી ત્યારે પ્રવાસીઓને થયું આશ્ચર્ય

ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હંમેશાં કોમન મેન યા ધરતીપુત્રના અંદાજમાં જોવા મળતા હોય છે. ક્યારેક ખેતરમાં હળ ચલાવતા કે પછી જાહેર ટ્રાન્સપોર્ટની સેવા પણ લેતા જોવા મળ્યા છે.
પ્રાકૃતિક ખેતીની વાતો માટે પણ જાણીતા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ એક સામાન્ય માણસ બનીને લોકો સુધી પહોંચતા હોય છે. તાજેતરમાં તેમના ‘કોમન મેન’ના અંદાજમાં બસની મુસાફરી કરતી વખતનો અંદાજ જોવા મળ્યો છે. બસની મુસાફરી વખતે મહિલા કન્ડક્ટર પાસે ટિકિટ માંગી ત્યારે બસના મુસાફરોને પણ આશ્ચર્ચ થયું હતું.
આપણ વાચો: ગુજરાતના રાજ્યપાલને મળી નવી જવાબદારી, જાણો હવે શું કરશે?
રાજ્યપાલે કરી બસમાં મુસાફરી
ગુજરાતના રાજ્યપાલની સાથે મહારાષ્ટ્ર રાજ્યનો હવાલો સંભાળતા આચાર્ય દેવવ્રત સ્ટેટ માર્ગ પરિવહન નિગમની સરકારી બસમાં બેસીને ગાંધીનગરના સોલૈયા ગામે પહોંચ્યા હતાં.
બસમાં તેઓ મુસાફરોની વચ્ચે જ બેઠા હતા. બસમાં બેસેલા લોકોને નવાઈ તો ત્યારે લાગી, જ્યારે તેમણે સામાન્ય માણસની જેમ કંડક્ટર પાસેથી ટિકિટ લીધી હતી. એક રાજ્યપાલને મહિલા કંડેક્ટર પાસે ટિકિટ માંગતા જોઈને મુસાફરો ચોંકી ગયા હતા.
બસની મુસાફરી દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યુવાનો તથા અન્ય લોકો સાથે વાતચીત પણ કરી હતી. આ દરમિયાન આચાર્ય દેવવ્રતે GSRTC દ્વારા મુસાફરોને અપાતી સુવિધાઓ, સ્વચ્છતા, સમયપાલન અને સેવાઓ વિશે માહિતી મેળવી હતી.
આચાર્ય દેવવ્રતે એક્સ પર શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આચાર્ય દેવવ્રત એક સામાન્ય માણસની જેમ બસની મહિલા કંડક્ટર અને મુસાફરો સાથે વાતચીત કરી રહ્યા છે.
આપણ વાચો: પ્રોટોકોલને પડતો મૂકીને ગુજરાતના રાજ્યપાલે એસટી બસમાં કરી મુસાફરી, કહ્યું લાંબા સમયની હતી ઈચ્છા…
એસ.ટી. બસ પરિવહનનું સશક્ત માધ્યમ છે
બસ મુસાફરીની વીડિયો સાથેની પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે એસ.ટી. સેવા રાજ્યના લાખો નાગરિકો માટે સુલભ, ભરોસાપાત્ર અને પરવડે તેવું જાહેર પરિવહનનું સશક્ત માધ્યમ છે. મારો વિશ્વાસ છે કે સાદગી, જનસંપર્ક અને જાહેર સેવાઓ સાથેનું સીધું જોડાણ જ લોકશાહીની વાસ્તવિક શક્તિ છે. જનતાની સાથે, જનતાની વચ્ચે રહીને સેવા કરવી એ જ મારો સંકલ્પ છે.
ઉલ્લેખનીય છે કે, માણસા તાલુકાના સોલૈયા ગામે પહોંચેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, વૃક્ષારોપણ માત્ર પર્યાવરણ સંરક્ષણ નહી, પરંતુ આવનારી પેઢી માટે સ્વસ્થ, સલામત અને સંતુલિત ભવિષ્ય પ્રત્યે આપણી સામુહિક જવાબદારી છે. સ્વચ્છતા અને હરિયાળા વાતાવરણ સાથે જોડાયેલો આ પ્રયાસ જ સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ ભારતના નિર્માણનો સશ્કત પાયો છે.



