સરકારી શિક્ષકોની હાલત દાડિયા મજૂરોથી પણ ખરાબ! દિવસના માત્ર 300 રૂપિયામાં ભરતી
શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ દ્વારા ‘જ્ઞાન જ્યોતિ યોજના’ હેઠળ તાત્કાલીક ધોરણે ભરતીની જાહેરાત કરવામાં આવી

ગુજરાતઃ ગુજરાતમાં હજારો લાખો ઉમેદવારો શિક્ષકની ભરતીની રાહ જોઈ રહ્યાં છે. જ્ઞાન સહાયકની ભરતીનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્ઞાન સહાયકની ભરતી કરાર આધારિત હોવાથી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે કાયમી ભરતી થાય તે માટે પણ આંદોલનો કરવામાં આવી રહ્યાં છે. તેવામાં કચ્છના મુન્દ્રા તાલુકામાં શિક્ષકોની ભરતી કરવાની એક જાહેરાત કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, મુન્દ્રા તાલુકાની સરકારી શાળાઓમાં ભરતી કરવાની છે અને એનો હવાલો ખાનગી સંસ્થાને આપવામાં આવ્યો છે. આખરે શા માટે સરકારે ખાનગી સંસ્થાના ભરોસે ભરતી કરવાની જરૂર પડી?
‘જ્ઞાન જ્યોતિ યોજના’ હેઠળ શિક્ષકોની ભરતી?
વિગતે વાત કરવામાં આવે તો, શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ દ્વારા મુન્દ્રા તાલુકાના ગામો માટે પ્રાથમિક તથા માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિમણૂક કરવા માટે એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. ‘જ્ઞાન જ્યોતિ યોજના’ હેઠળ તાત્કાલીક ધોરણે ભરતી કરવાની હોવાની જાહેરાત કરતું એક પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આ બાબતે અત્યારે વિવાદ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ જાહેરાતમાં 150 શિક્ષકોની ભરતી કરવાની હોવાની જાહેરાત કરાઈ છે. જેમને માસિક માત્ર 9,000નું વેતન આપવામાં આવશે. આ ભરતી માટે લાયક ઉમેદવારોને આજે એટલે કે તારીખ 04 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી રૂબરૂ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
જ્ઞાન જ્યોતિ યોજના અંગે શ્રી સર્વ સેવા સંઘે શું કહ્યું?
મુંબઈ સમાચારે જ્યારે આ સંસ્થા સાથે સંપર્ક કર્યો ત્યારે સંસ્થાના એક વ્યક્તિએ જણાવ્યું કે, ‘જ્યા સુધી સરકાર નવા શિક્ષકોની નિમણૂક નહીં કરે ત્યા સુધી હંગામી ધોરણો પહેલા સત્ર માટે આ ભરતી કરવામાં આવી રહી છે. જેમાં પ્રાથમિક શિક્ષક માટે પીટીસી અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક માટે બી.એડ કર્યું હોય તેમની પસંદગી કરવામાં આવશે. આ ભરતી દિવાળી સુધી જ એટલે કે માત્ર બે મહિના માટે જ કરવામાં આવી રહી છે.’ મુંબઈ સમાચારે જ્યારે પ્રશ્ન કર્યો કે, આ ભરતી ખાનગી શાળાઓ માટે છે કે, સરકારી શાળાઓ માટે? ત્યારે સામેથી જવાબ મળ્યો કે, મુન્દ્રા તાલુકાની સરકારી શાળાઓ માટે આ ભરતી કરવામાં આવી રહી છે!
આ શિક્ષકોને માત્ર 9,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે
હવે પ્રશ્ન એ થાય છે કે, આ ભરતી થયા બાદ પસંદ કરાયેલા શિક્ષકોને મહિને માત્ર 9,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે. તેનો અર્થ એ થયો કે, દિવસના માત્ર 300 રૂપિયા મળશે. આ શિક્ષકોની ભરતી ખરેખર ગુજરાતના યુવા ઉમેદવારો માટે મજાક સમાન છે. કારણ કે, તમને કોઈ શિક્ષક તરીકે રાખે છે અને એ પણ માત્ર બે જ મહિના માટે! ગામડાંઓમાં અત્યારે એક વ્યક્તિની મજૂરી પણ 400થી વધારે હોય છે જ્યારે શિક્ષકને માત્ર 9 હજાર રૂપિયા આપવામાં આવશે? આ વેતન મુન્દ્રામાં જે હંગામી ભરતી કરવામાં આવી રહી છે તેના માટે જ છે.
શા માટે કાયમી ભરતી નથી કરવામા આવતી?
સરકાર શા માટે યુવાનો સાથે આવું વર્તન કરી રહી છે. ઉમેદવારો તૈયાર છે, કોલિફાઈડ છે તો પછી શા માટે કાયમી ભરતી નથી કરવામા આવતી? શિક્ષકોની રાજ્યમાં ઘટ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી, ઘટ છે તો પછી તેને પૂર્ણ પણ કરી જ પડે! પરંતુ વિલંબ થઈ રહ્યો છે અને આવી ‘જ્ઞાન જ્યોતિ યોજના’ હેઠળ ભરતી કરીને ઉમેદવારોની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ હવે ખાનગીકરણ થઈ રહ્યું છે. ઉમેદવારો શિક્ષકને કાબિલ છે કે નહીં તે હવે કોઈ ખાનગી સંસ્થાઓ નક્કી કરશે? આવી ભરતી પ્રક્રિયામાં ખાનગી સંસ્થાને જોડવી એ સંકેત છે કે, આ પ્રક્રિયામાં પણ ખાનગીકરણ થઈ રહ્યું છે. જે નજીકના ભવિષ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
શરતો સરકારી નિયમો અનુસાર પરંતુ સત્તા સંસ્થા પાસે રહેશે
સરકારી શાળાઓમાં ખાનગી સંસ્થાઓ પાસે ભરતી કરાવવી કેટલી યોગ્ય છે? મહત્વની વાત એ છે કે, શ્રી સર્વ સેવા સંઘ દ્વારા ‘જ્ઞાન જ્યોતિ યોજના’ હેઠળ જે ભરતી કરવામાં આવશે તેમાં નિમણૂક પત્ર પણ આ સંસ્થા આપશે. એટલું જ નહીં પરંતુ તમામ પ્રકારના નિર્ણયો લેવાની સત્તા પણ આ સંસ્થાને જ આપવામાં આવી છે. જાહેરાત કરાયેલા પોસ્ટરમાં આ વાતનો ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નિમણૂક માટે અરજી કરનારની ઉંમર અને અન્ય જરૂરી શરતો સરકારી નિયમો અનુસાર રહેશે પરંતુ ભરત દરમિયાન કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો અધિકાર સંસ્થા પાસે રહેશે! આ ભરતી પ્રક્રિયા ખરેખર વિવાદનું કારણ બની શકે છે.
આ પણ વાંચો…ગુજરાતમાં આજથી જ્ઞાન સહાયક ભરતી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂઃ અરજી કરવાની છેલ્લી તા. 5મી ઓગસ્ટ