ગુજરાતમાં આ રોગની સારવાર માટે સરકાર દર મહિને આપે છે રૂ. ૧૦૦૦ની સહાય, ૯૦ ટકાથી વધુ દર્દી થયા સાજા

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન ઝૂંબેશના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટીબીના સાજા થયેલ દર્દીઓ, ટી.બી. સંક્રમિત દર્દીઓ અને ટીબી ચેમ્પિયન્સ માટે સેમિનારનું આયોજન થયું હતું.
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વર્ષ-૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પપૂર્તિની દિશામાં ગુજરાતનું આરોગ્ય વિભાગ સુંદર કામગીરી કરી રહ્યું છે, જેના પરિણામે આજે અનેક દર્દીઓએ ટીબીને હરાવ્યો છે.
આપણ વાંચો: અમદાવાદનો આ વિસ્તાર જાણે ટીબીનું ઘર! સૌથી વધુ 1229 કેસ
આ રોગને પહેલાં રાજરોગ ગણવામાં આવતો હતો
પ્રધાને ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં ટીબી રોગને રાજરોગ ગણવામાં આવતો હતો તેનું નિદાન અને સારવાર પણ ખૂબ મુશ્કેલ હતી. પરંતુ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન જેવા કાર્યક્રમના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે. રાજયના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટી.બી. એ રાજરોગ કે મહારોગ નહીં પરંતુ મટી શકે તેવો રોગ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
છ મહિનામાં દર્દી થઈ જાય છે સાજા
૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝૂંબેશના ભાગરૂપે ટીબીના દર્દીઓ, ટીબી ચેમ્પિયન અને સાજા થયેલ ટીબીના દર્દીઓને અભિનંદન પાઠવતા પ્રધાને જણાવ્યું હતું કે, જેવી રીતે આ દર્દીઓએ ટીબીને હરાવ્યો છે તેવી જ રીતે ટીબીનો કોઈ પણ દર્દી છ મહિનાની સંપૂર્ણ સારવાર લઈને ટીબીને મ્હાત આપી શકે છે. સરકારનાં પ્રયત્નો અને નાગરીકોના સહયોગના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે.
આપણ વાંચો: થાણે જિલ્લાના ૪૧ ગ્રામપંચાયતોને ટીબી-મુક્ત જાહેર કરવામાં આવી
અત્યાર સુધીમાં કેટલી ચૂકવવામાં આવી સહાય
ટીબીના દર્દીઓને સારવાર ઉપરાંત પોષણયુકત આહાર મળી રહે તે હેતુથી નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના તમામ દર્દીઓને રૂ. ૧૦૦૦ પ્રતિ માસની આર્થિક સહાય સારવાર ચાલુ રહે ત્યાં સુધી અપાય છે.
અત્યાર સુધી આ યોજના અંતર્ગત ગુજરાતમાં ટીબીના ૭ લાખ ૬૮ હજારથી પણ વધુ દર્દીઓને રૂ. ૨૪૬ કરોડથી વધુની આર્થિક સહાય ડીબીટી માધ્યમથી અપાઈ છે. દર વર્ષે આવતા ટીબીના ૧ લાખ ૪૦ હજાર કેસોમાંથી ૯૦ ટકા દર્દીઓને સાજા કરી શકાયા છે. ૧૦૦ દિવસની ખાસ ટીબી નિર્મૂલન ઝૂંબેશ દરમિયાન ટીબી રોગના સંભવિત દર્દીઓને શોધીને વિવિધ તપાસ કરીને તેમની સારવાર કરવામાં આવે છે.