ગાંધીનગર

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ૩૩ સિનિયર અધિકારીઓને સિલેક્શન સ્કેલમાં પ્રમોશન

ગાંધીનગર: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ અને વહીવટી તંત્રમાંથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારે વહીવટી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના ૩૩ જેટલા સિનિયર અધિકારીઓને પ્રમોશનની ભેટ આપી છે.

સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા વહીવટી પાંખમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયથી રાજ્યના મહત્વના વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓના હોદ્દા અને ગ્રેડમાં વધારો થયો છે.

આ પ્રમોશનની સાથે જ અધિકારીઓના પગાર ધોરણમાં પણ મોટો ઉછાળો જોવા મળશે. નોટિફિકેશન અનુસાર, આ ૩૩ અધિકારીઓને અત્યાર સુધી મળી રહેલા ‘સિનિયર સ્કેલ’ (લેવલ-12) માંથી બઢતી આપીને હવે ‘સિલેક્શન સ્કેલ’ (પે-મેટ્રિક્સ લેવલ-13) માં સમાવવામાં આવ્યા છે.

આ ફેરફારને કારણે અધિકારીઓનો લઘુત્તમ પગાર ₹123100 થી વધીને મહત્તમ ₹215900 સુધી પહોંચશે. આ આર્થિક અપગ્રેડેશન અધિકારીઓની લાંબા સમયની કામગીરીની કદર રૂપે જોવામાં આવે છે.

સામાન્ય રીતે પ્રમોશનની સાથે અધિકારીઓની બદલી થતી હોય છે, પરંતુ આ કિસ્સામાં સરકારે એક અલગ અભિગમ અપનાવ્યો છે. પ્રમોશન મેળવનારા તમામ ૩૩ અધિકારીઓને હાલમાં તેઓ જે જગ્યાએ અને જે હોદ્દા પર કાર્યરત છે, ત્યાં જ રિ-એપોઈન્ટ કરવામાં આવ્યા છે.

એટલે કે, કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે હેતુથી તેમની અત્યારે બદલી કરવામાં આવી નથી. તેઓ પોતાના વર્તમાન સ્થળ પર રહીને જ નવા ગ્રેડ અને વધેલા પગારનો લાભ મેળવી શકશે.

કોનો કોનો સમાવેશ થાય છે?

બઢતી મેળવનારા આ અધિકારીઓની યાદીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના નિવાસી અધિક કલેક્ટર (RAC), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ના નિયામકો તેમજ વિવિધ મંત્રીઓના અંગત સચિવો (PS) નો સમાવેશ થાય છે.

આ એવા અધિકારીઓ છે જેઓ સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ અને વહીવટી કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સરકારના આ નિર્ણયથી વહીવટી માળખું વધુ મજબૂત બનશે અને અધિકારીઓ નવી ઉર્જા સાથે કામ કરી શકશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button