બુલેટ ટ્રેનનાં સ્ટેશનોની આસપાસના વિસ્તારોના વિકાસ માટે ગુજરાત સરકારે ઓથોરિટી બનાવી

ગાંધીનગર: ભારતની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે, જેના માટેના કોરિડોરનું બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યું છે. પેહલા તબક્કા હેઠળ સુરત અને વાપી વચ્ચે 100 કિલોમીટરના રૂટ ઓગસ્ટ 2027 બુલેટ ટ્રેન સર્વિસ શરુ કરવાનું આયોજન છે, એવામાં ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે, બુલેટ ટ્રેન કોરિડોરના સ્ટેશનોની આસપાસના વિસ્તારના વિકાસ માટે એક અલગ ઓથોરિટીની રચના કરવામાં આવી છે.
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) કોરિડોર હેઠળ ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપી એમ આઠ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. આ સ્ટેશનોની આસપાસનમના વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારે ગુજરાત હાઈ સ્પીડ રેલ સ્ટેશન એરિયા પ્લાનિંગ ઓથોરિટી(Gujarat High Speed Rail Station Area Planning Authority)ની રચના કરી છે.
રાજ્ય સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ ગુજરાત હાઈ સ્પીડ રેલ સ્ટેશન એરિયા પ્લાનિંગ ઓથોરિટી તમામ આઠ સ્ટેશનોની આસપાસની જમીનના ઉપયોગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે યોજના બનાવશે. જેથી સ્ટેશન સુધી પહોંચવા મુસાફરોને સરળતા રહે અને સ્ટેશનની આસપાસ જ જરૂરી સુવિધાઓ મળી રહે.
ઓથોરીટી શું કાર્ય કરશે?
આ ઓથોરિટીમાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થશે અને રાજ્ય શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ તેના અધ્યક્ષ રહેશે. અહેવાલ મુજબ ઓથોરિટી દરેક આઠ સ્ટેશન માટે વિગતવાર વિકાસ યોજનાઓ તૈયાર કરશે, જેનું અમલીકરણ જેતે સ્ટેશનને સંબંધિત શહેરી વિકાસ અધિકારીઓએ કરવાનું રહેશે.
આ ઓથોરીટી સ્ટેશનની આસપાસ ભીડભાડ-ટ્રાફિક ઘટાડવા અને સ્ટેશન સુધી લાસ્ટ માઇલ કનેક્ટિવિટીમાં સુધારો કરવા યોજના બનાવશે, આ ઉપરાંત કમર્શિયલ હબ, કોર્પોરેટ ઓફિસો, હોટલો, હેલ્થ કેર જેવા સુવિધા ઉભી કરવા માટે યોજના બનાવશે.
અહેવાલ મુજબ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) માટે ગુજરાતમાં આવતું બાંધકામ ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે, જ્યારે સમગ્ર કોરિડોર ડિસેમ્બર 2029 સુધીમાં શરુ કરવામાં આવશે.
આપણ વાંચો: સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર માટે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન હવે દરરોજ દોડશે



