
ગાંધીનગર: તાજેતરમાં વિધાનસભામાં કલાકારોને આમંત્રણ આપવાના મુદ્દે વિવાદ થયો હતો, કેટલાક કલાકારોને આમંત્રણ આપવામાં આવતા વિક્રમ ઠાકોરે(Vikram Thakor)વાંધો ઉઠાવ્યો હતો.
જો કે સરકારે ફરી એક વખત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારો સહિત લોક કલાકારોને પણ વિધાન સભાની મુલાકાત માટે આમંત્રણ આપવાનો નિર્ણય લીધો હતો. ફિલ્મ, સંસ્કૃતિ સાથે જોડાયેલા 300 જેટલા કલાકારો, એક્ટર-એક્ટ્રેસને વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
આપણ વાંચો: “ઠાકોર સમાજનું અપમાન” ગુજરાત વિધાનસભામાં કલાકારોને આમંત્રણ પર વિક્રમ ઠાકોરે ઉઠાવ્યા સવાલ
હિતુ કનોડિયાને જવાબદારી સોંપવામાં આવી
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતુ કનોડિયા અને ભાજપના સાંસ્કૃતિક સેલના જનક ઠક્કરને આ માટે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓએ તમામ કલાકારો સાથે વાતચીત કરી આમંત્રણ પાઠવ્યું છે.
26 અને 27 માર્ચના રોજ, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અભિનેતાઓ અને અભિનેત્રીઓ વિધાનસભાની મુલાકાત લેશે. વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
300 જેટલા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું
આ અંગે ભાજપ સાંસ્કૃતિક સેલના ઈન્ચાર્જ જનક ઠક્કરે જણાવ્યું હતું કે, દર વર્ષે ભાજપ કાર્યક્રમ આયોજિત કરે છે, તેમાં તમામ કલાકારોને બોલાવવાનો નિર્ણય કર્યો છે. લગભગ 300 જેટલા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે અમે વિવાદ બાદ અમે આમંત્રણ આપ્યું નથી. વિશ્વ રંગભૂમિ દિવસ છે એટલે અમે આયોજન કર્યું છે. વિક્રમ ઠાકોરને આમંત્રણ આપ્યું છે. હવે અહીં આવવું કે કેમ તે નિર્ણય તેમનો સ્વતંત્ર છે. અમારી ફરજ છે તેમને આમંત્રણ આપવું.