શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, દરેક કર્મચારીઓ માટે ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક હાજરી ફરજિયાત | મુંબઈ સમાચાર
Top Newsગાંધીનગર

શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, દરેક કર્મચારીઓ માટે ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક હાજરી ફરજિયાત

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે કર્મચારીઓની હાજરી વ્યવસ્થાને વધુ નિયમિત અને પારદર્શક બનાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. સમગ્ર શિક્ષા અને સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર દ્વારા 1 ઓક્ટોબર 2025 થી ફેસ-રીકગ્નિશન/બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ ફરજિયાત અમલમાં મૂકવાશે.

જેથી હવે નિયમિત, પ્રતિનિયુક્તિ, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ તેમજ કન્સલ્ટન્ટ સહિતના તમામ કર્મચારીઓને ફેસ-રીકગ્નિશન અથવા બાયોમેટ્રિક ઉપકરણ દ્વારા હાજરી નોંધાવવી પડશે. વિભાગના પરિપત્ર નવી સિસ્ટમથી જનરેટ થતી હાજરીની માહિતી સીધા પગાર પ્રક્રિયા તથા કર્મચારી સેવા સંબંધિત વહીવટ સાથે જોડાશે.

આપણ વાંચો: સરકારનો યુટર્નઃ ગુજરાતમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો વચગાળાનો નિર્ણય રદ, શિક્ષણ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

કર્મચારીએ સવારે 10:30 સુધી હાજરી આપવી ફરજિયાત

આ સિસ્ટમનો પહેલો તબક્કો સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ખાતે શરૂ થશે અને ત્યારબાદ જિલ્લાના તમામ કચેરીઓ, બીઆરસી અને સીઆરસી સુધી વિસ્તરશે. નિયમ મુજબ કર્મચારીએ સવારે 10:30 સુધી હાજરી આપવી અને સાંજે 6:00 પછી જ કચેરી છોડવાની રહેશે.

દરરોજ સવાર અને સાંજ એમ દિવસમાં બે વખત હાજરી નોંધવાની રહેશે. મહિને મહત્તમ બે વાર સુધી 60 મિનિટનો ગ્રેસ પિરિયડ રાખવામાં આવ્યો છે, જ્યારે ત્રણથી વધુ વાર મોડા આવનાર અથવા વહેલા જનારને અડધા દિવસની રજામાં ગણવામાં આવશે.

આપણ વાંચો: સરકારી શિક્ષિકાને પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી ભારે પડી! શિક્ષણ વિભાગે કર્યા સસ્પેન્ડ

દરેક નવા જોડાતા કર્મચારીનું રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે

ફિલ્ડ વર્ક પર રહેલા કર્મચારીઓ માટે મોબાઇલ એપ બનાવવામાં આવી છે. જેથી તેઓ સ્થળ પરથી જ હાજરી નોંધાવી શકશે. જો મશીન ખરાબી કે તબીબી કારણસર હાજરી નોંધાઈ ન હોય તો કર્મચારીએ બે દિવસમાં લેખિત સ્પષ્ટીકરણ આપવું પડશે.

સવારે 10:40 પછી આવનાર અથવા 6:00 પહેલાં જનારનું નામ ‘લેટ કમિંગ’ અને ‘અર્લી ગોઇંગ’ યાદીમાં મુકવામાં આવશે. નવી સિસ્ટમમાં દરેક નવા જોડાતા કર્મચારીનું રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે, જ્યારે તેની જવાબદારી શાખા અધિકારી અને મહેકમ શાખાની રહેશે. આ નિર્ણયથી શિક્ષણ વિભાગની હાજરી વ્યવસ્થા વધુ કડક અને ટેક્નોલોજી આધારિત બનશે એવી અપેક્ષા છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button