‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ: સરકારે જમીન વળતર અને રસ્તાના પ્રશ્નો ઉકેલવા આપ્યા આદેશ

‘સ્વાગત’ કાર્યક્રમમાં ખેડૂતો અને નાગરિકોના પ્રશ્નોનું ત્વરિત નિવારણ
ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતો પ્રત્યે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગવી સંવેદનશીલતા દેખાડી છે. ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવતી નાગરિકોની રજૂઆતોનું સામુહિક પ્રયત્નોથી જરૂરી નિવારણ લાવવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિભાગોને નિર્દેશો આપ્યાં છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ડિસેમ્બર-2025ના રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરવા આવેલા નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળીને તેના યોગ્ય નિવારણ માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી છે.
97થી વધુ રજૂઆતકર્તા પોતાની રજૂઆત સાથે ઉપસ્થિત રહ્યા
વધુ વિગતે જોઈએ તો, સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિભાગો અને વહીવટી તંત્રના અધિકારીઓને આ સંદર્ભમાં એવી પણ તાકિદ કરી છે કે, સ્વાગતમાં આવતી રજૂઆતોનું નિવારણ સામૂહિક પ્રયત્નોથી લાવવામાં આવે. દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણના ઉપક્રમમાં ડિસેમ્બર-૨025ના રાજ્ય સ્વાગતમાં રાજ્યભરમાંથી 97થી વધુ રજૂઆત કર્તાઓ પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં, જિલ્લા સ્વાગતની 1284 અને તાલુકા સ્વાગતની 2458 રજૂઆતો-પ્રશ્નો સંદર્ભમાં જિલ્લા તાલુકા કક્ષાએ નિવારણની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
રજૂઆતોનું નિવારણ લાવવા જિલ્લા કલેક્ટરોને નિર્દેશ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમની સમક્ષ થયેલી રજૂઆતોમાં સંવેદના સ્પર્શી અભિગમ દાખવીને આવી રજૂઆતોના યોગ્ય નિવારણ માટે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ તાકિદ કરી હતી. તેમણે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ધરતી પુત્રને તેના ખેતરમાં જવા માટેનો રસ્તો સ્થાનિક સ્થિતિએ જરૂરી ચકાસણી કરીને મેળવી આપવા જિલ્લા કલેકટરને સૂચના આપી છે. આ ઉપરાંત સીપુ યોજના અન્વયે સાબરમતી સરસ્વતી લિન્ક કેનાલ યોજનામાં મહેસાણાના ખેડૂતની સંપાદિત થયેલી ખેતીની જમીનનું વળતર તાત્કાલિક ચુકવવાના દિશાનિર્દેશો કલેકટરને આપ્યા છે.
બેદરકારી દાખવનારાઓ સામે કડક પગલાં લેવા સૂચના
આ સાથે સાથે નગરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ અને નાગરિક સુવિધાના કામોમાં ક્વોલિટી જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું છે. આવા કામોમાં બેદરકારી કે નિષ્કાળજી દાખવનારાઓ સામે કડક પગલાં લેવા સૂચના આપી છે. વાપી નગરપાલિકા વિસ્તારમાં સંયૂક્ત માલિકીની જમીનમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ કનેક્શન માટે કરવામાં આવતા અવરોધો દૂર કરીને આ કનેક્શન તાત્કાલિક આપવા અને બાબરા તાલુકાના રજૂઆત કર્તાને સરકારે ફાળવેલા મફત ઘરના પ્લોટની ગામના નમૂનામાં નોંધ કરીને માલિકી હક આપવા મુખ્ય પ્રધાન સંબંધિત તંત્રવાહકોને કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.
આપણ વાંચો: અરવલ્લી પહાડીઓના રક્ષણ માટે ગુજરાત સરકાર કટિબદ્ધઃ વન-પર્યાવરણ પ્રધાનનો દાવો



