ગુજરાતમાં મુખ્યમંત્રી પણ બદલાઈ જશે ? ભાજપનાં સૂત્રોએ શું કહ્યું ?

ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે ત્યારે મુખ્યમંત્રીપદે ભૂપેન્દ્ર પટેલ રહેશે કે જશે એ મુદ્દો ચર્ચામાં છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, ભૂપેન્દ્ર પટેલને હમણાં બદલવામાં નહીં આવે પણ આખું મંત્રીમંડળ બદલાઈ જશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા પ્રધાન મંડળના વિસ્તરણ પહેલાં ગુજરાત આવ્યા હોવાથી મુખ્યમંત્રીને પણ બદલી નંખાશે એવી હવા જામી છે. માત્ર પ્રધાનોને બદલવાના હોય તો કેન્દ્રીય ગૃહ મંત્રી કે રાષ્ટ્રીય પ્રમુખે આવવાની જરૂર ના પડે એવી દલીલ પણ થઈ રહી છે પણ ભાજપની નેતાગીરી આ વાતનો ઈન્કાર કરી રહી છે.
આપણ વાંચો: વિપક્ષની અવાજ નહિ દબાવીએ, મંત્રીમંડળના વિસ્તરણ પર બોલ્યા CM ફડણવીસ
ભાજપે 2021માં વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે નો રીપીટ થીયરી અમલમાં મૂકીને તમામ મંત્રીઓને પડતા મૂક્યા હતા. આ વખતે પણ એ જ થીયરી અમલમાં મૂકીને તમામ મંત્રીઓને પડતા મૂકાશે પણ માત્ર ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીપદે યથાવત રખાશે.
ભાજપના નેતાઓનું કહેવું છે કે, ભૂપેન્દ્ર પટેલે હમણાં જ વાયબ્રન્ટ સમિટ ગુજરાત સફળતાપૂર્વક પાર પાડી છે અને વિઝન 2036 જાહેર કર્યું છે. તેના પરથી સ્પષ્ટ સંકેત છે કે, ગુજરાતનું સુકાન હમણાં તો ભૂપેન્દ્ર પટેલના હાથમાં જ રહેશે પણ ગુજરાતના પ્રધાનમંડળના તમામ પ્રધાનોને બદલી દેવાશે.