નવરાત્રીમાં નવું પ્રધાનમંડળ જાહેર થશે તો નારીશક્તિનો પરચો જોવા મળશે કે નહીં? | મુંબઈ સમાચાર
ગાંધીનગર

નવરાત્રીમાં નવું પ્રધાનમંડળ જાહેર થશે તો નારીશક્તિનો પરચો જોવા મળશે કે નહીં?

ગાંધીનગરઃ ગુજરાત આખું નવરાત્રીના રંગમાં રંગાયેલું છે અને સૌ કોઈ માતાજીના ગરમાની રમઝટમાં ખોવાયેલા છે, પરંતુ રાજકીય વર્તુળોમાં અલગ જ માહોલ છે. સૂત્રોનું માનીએ તો મગંળવારે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને મળશે અને નવરાત્રી દરમિયાન જ ગુજરાત પ્રધાનમંડળમાં નવા 10-12 ચહેરાઓ ઉમેરાશે. હવે જ્યારે મા જગદંબાની આરાધનાના પર્વ દરમિયાન જો પ્રધાનમંડળમાં નવા ચહેરાઓને સામેલ કરવાની જાહેરાત થાય તો તેમાં ક્યા મહિલા વિધાનસભ્યનો સમાવેશ થશે, તેની ચર્ચા થઈ રહી છે.

આ મહિલાઓને પ્રધાનપદ મળે તેવી શક્યતા

દરેક રાજ્યના પ્રધાનમંડળમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું હોય છે. ગુજરાત પ્રધાનમંડળમાં હાલમાં કેબિનેટ કક્ષાનાં પ્રધાનપદે માત્ર એક મહિલા ભાનુબેન બાબરિયા છે, જે સામાજિક ન્યાય અને અધિકારીતા તેમ જ મહિલા અને બાળ કલ્યાણ ખાતાની જવાબદારી સંભાળે છે.

નવા ચહેરાઓમાં હજુ એક મહિલાને સ્થાન મળે તેની સંભાવના છે. આ માટે સૌરાષ્ટ્રની બે મહિલા ધારાસભ્ય નામ ચર્ચાઈ રહ્યા છે. આ બે નામમાં રાજકોટનાં ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ અને જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાનાં નામ મોખરે છે. આ સાથે સુરત જિલ્લાના લિંબાયતનાં ધારાસભ્ય સંગીતા પાટીલનું નામ પણ બોલાઈ રહ્યું છે. હવે સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાત તે અંગે તમામ સમીકરણ મેળવી ભાજપ કોના પર પસંદગી ઉતારે છે અથવા કોઈ નવો ચહેરો જ જોવા મળે છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો જયેશ રાદડીયા, અર્જન મોઢવાડિયાનું નામ બોલાઈ રહ્યું છે. સી જે ચાવડા, ઉદય કનગડ, ડો. પ્રદ્યુમન વાજાના નામ પણ બોલાઈ રહ્યા છે.

લગભગ ચારેક વર્ષથી લંબાયેલું પ્રધાનમંડળનું વિસ્તરણ નવરાત્રીમાં જ થઈ જશે, તેમ સૂત્રો જણાવે છે. જોકે આ મામલે પક્ષે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

આ પણ વાંચો…સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં, પ્રધાનમંડળમાં ફેરફારનું લિસ્ટ લઈને ગયા હોવાની ચર્ચા

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button