ગુજરાતના Budget માં કરવેરામાં કરાયા આ મહત્વના ફેરફારો

ગાંધીનગર : ગુજરાતના નાણા મંત્રી કનુ દેસાઇએ રજૂ કરેલા વર્ષ 2025-26ના બજેટના(Gujarat Budget)અનેક વિભાગો માટે જાહેરાતો અને નાણાની ફાળવણી કરવામાં આવી હતી. જોકે, બજેટમાં સરકારે નવા કોઇ કરવેરા લાદયા નથી. પરંતુ વર્તમાન કરવેરાના દરમાં ફેરફાર કર્યા છે. જેમાં સ્ટેમ્પ ડયુટી, ઈલેકટ્રિક વાહનો પરનો વેરામાં રીબેટ અને ભાડાપટ્ટાની સ્ટેમ્પ ડયુટીમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
200ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થશે
નાણાં મંત્રીએ રજૂ કરેલી કર દરખાસ્ત મુજબ વડીલોપાર્જીત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક કમીના લેખ પર પ્રવર્તમાન 4.90 ટકા સ્ટેમ્પ ડયુટીના બદલે પુત્રોના વારસદારોની જેમ ફક્ત રૂપિયા 200ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થશે.
આપણ વાંચો: ‘અબ કી બાર 3.72 લાખ કરોડને પાર…’: ગુજરાતના આગામી બજેટમાં 11.65 ટકાના વધારાની સંભાવના…
વર્તમાન સમયમાં રૂપિયા એક કરોડ સુધીની લોનની રકમ માટેના ‘ગીરોખત’ પર 0.25 ટકા લેખે મહત્તમ 25,000ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થાય છે. જે ઘટાડીને હવે મહત્તમ 5,000ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થશે.
ભાડાપટ્ટાના લેખ માટે લાગુ પડતા દરોનું સરળીકરણ
એક વર્ષ કરતાં ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર 1 ટકા સ્ટેમ્પ ડયુટી ભરવાની જોગવાઈ છે. જેના સ્થાને રહેણાંક માટે 500 તથા વાણિજ્ય માટે 1000ની સ્ટેમ્પ ડયુટી લેવામાં આવશે તેમજ અન્ય સમયગાળાના ભાડાપટ્ટાના લેખ માટે લાગુ પડતા દરોનું સરળીકરણ કરવામાં આવશે.
ઈ-રજીસ્ટ્રેશનની સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે
આ ઉપરાંત, નાગરિકો અને નાના ઉદ્યોગકારોના સમય અને શક્તિનો બચાવ થાય તે હેતુસર. ગીરોખત, ગીરોમુક્તિ લેખ, ભાડા પટ્ટા લેખ કરવા માટે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં જવાને બદલે ઘરે બેઠા ઈ-રજીસ્ટ્રેશનની સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે.
આપણ વાંચો: ગુજરાતના ખેડૂતો, દરિયાકાંઠાને લાભ; કેન્દ્રીય બજેટ પર ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો આભાર
ઈલેક્ટ્રીક વાહનો પર એક વર્ષ માટે પાંચ ટકા રીબેટ
ઇલેક્ટ્રીક વાહનો પર હાલમાં 6 ટકા સુધી ઉચ્ચક વાહન વેરો અમલમાં છે તેવા સંપૂર્ણપણે ઇલેક્ટ્રીક બેટરીથી સંચાલિત વાહનો પર 1 વર્ષ માટે 5 ટકા સુધી રીબેટ આપી અસરકારક 1 ટકા લેખે વેરાનો દર રાખવાનો નિર્ણય કરાયો હતો. વેરાના દરમાં વધુ સરળીકરણ માટે મેક્સી કેટેગરીમાં પેસેન્જર વહનની ક્ષમતા મુજબ હાલના 8 ટકા તથા 12 ટકાના દરને બદલે એક જ દર એટલે કે 6 ટકા દર રાખવામાં આવશે.
ગુજરાત જીએસટી રિટર્ન ફાઇલિંગમાં દેશમાં પ્રથમ સ્થાને
બજેટના જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર દેશમાં જીએસટી લાગુ થયા પછી, વર્ષ 2017માં 5.08 લાખ કરદાતાઓની સંખ્યા અંદાજિત અઢી ગણી વધીને હાલમાં 12.46 લાખ થઈ છે. ગુજરાત જીએસટી રિટર્ન ફાઇલિંગમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કુલ નોંધાયેલ કરદાતાઓ પૈકી 99.6 ટકા કરદાતાઓએ જીએસટી રિટર્ન ફાઇલ કર્યું હતું.