
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. વિધાનસભાનું આ છઠ્ઠુ સત્ર છે, જે 19 ફેબ્રુઆરીથી શરૂ થઈને 28 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્ર માટે સરકાર દ્વારા દરેક દિવસ દરમિયાન યોજાનારી સભાઓની તારીખવાર યાદી જાહેર કરવામાં આવી હતી.
વિધાનસભાના બજેટ સત્રમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બજેટ સત્રનું આહવાન કરશે. જ્યારે 20 મી ફેબ્રુઆરીએ ગુજરાતના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. આમ, આ વખતે કુલ 27 બેઠકો યોજીને બજેટ સત્ર યોજાશે.
આપણ વાંચો: અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે ભૂપેન્દ્ર સરકાર, ગુરુવારથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ
આવતીકાલે સભામાં આભાર પ્રસ્તાવ રજુ થશે તેમજ સરકારી કામકાજ પર ચર્ચા થશે. જેમાં 20 મી ફેબ્રુઆરી ગુરુવારના રોજ વર્ષ 2009-10 અને 2010-11 માટેના વધારાના ખર્ચના પત્રકો રજૂ કરવામાં આવશે. તેની સાથે સાથે વર્ષ 2024-25 માટેના ખર્ચના પૂરક પત્રકો તેમજ વર્ષ 2025-26 માટેના અંદાજપત્ર રજૂ કરવામાં આવશે.

ત્યારબાદ 21, 24, 25, 27 ફેબ્રુઆરીએ સરકારી કામકાજ તેમજ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થશે. 28 ફેબ્રુઆરીએ પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. માર્ચ મહિનામાં ગોઠવવામાં આવેલી બેઠકોમાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા થશે. 28 માર્ચના રોજ છેલ્લા દિવસાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે અને વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બજેટ સત્ર દરમિયાન ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં પોલીસ દ્વારા શહેરમાં સલામતી માટે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગાંધીનગરના પ્રવેશ દ્વારા પર સતત વાહનોની ચેકિંગ થશે, ઉપરાંત આ સમય દરમિયાન થતાં રેલી કે ધરણા પર ખાસ ધ્યાન રાખવામાં આવશે.