Gujarat માં બાગાયતી પાકોનો વિસ્તાર 10 લાખ હેક્ટરથી વધીને 22 લાખ હેક્ટર થયો

ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)છેલ્લા બે દાયકામાં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર 10 લાખ હેક્ટરથી વધીને 22 લાખ હેક્ટર થયો છે. જ્યારે ઉત્પાદન 94 લાખ મેટ્રિક ટનથી વધીને 269 લાખ મેટ્રિક ટન નોંધાયું છે.
વિધાન સભા ગૃહમાં માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, કૃષિ ક્ષેત્ર એ ગુજરાતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. ગુજરાતમાં અનેક વ્યવસાયોના પાયામા કૃષિ ક્ષેત્રનો ફાળો મહત્વપૂર્ણ છે.
ગુજરાતે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ડિજિટલાઈઝેશન, ખેડૂત કલ્યાણ, પાક સંરક્ષણ, કૃષિ યાંત્રિકીકરણ અને ઉજ્જવળ ભવિષ્ય માટેની કૃષિ એમ કુલ પાંચ આયામો પર વિશેષ ભાર મૂક્યો છે.
આપણ વાંચો: ગુજરાતમાં રવિપાકનું વિક્રમી 47.55 લાખ હેક્ટરમાં વાવેતર
આગામી સમયમાં “આઈ-ખેડૂત પોર્ટલ 2.0” કાર્યરત કરવામાં આવશે
તેમણે ડિજિટલાઇઝેશનને અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આઈ-ખેડૂત પોર્ટલને મળેલી સફળતા બાદ તેને વધુ કાર્યક્ષમ અને ખેડૂત ઉપયોગી બનાવીને આગામી સમયમાં “આઈ-ખેડૂત પોર્ટલ 2.0” કાર્યરત કરવામાં આવશે.જ્યારે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજીસ્ટ્રીમાં 50 ટકા ખેડૂતોની નોંધણી કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. અત્યાર સુધી 40 લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ છે.
પાકની વાવણીથી લઇને કાપણી સુધીની સમગ્ર પ્રક્રિયા, પાકનું સ્વાસ્થ્ય, રોગ-જીવાતની માહિતી, જમીનમાં ભેજ સહિતની વિવિધ માહિતી-સૂચનો હવે સેટેલાઇટ આધારિત “કૃષિ પ્રગતિ – કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર” દ્વારા મેળવી શકાશે.
આપણ વાંચો: Today National Mango Day: સૌરાષ્ટ્રની શાન એવી કેસરના ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો
466 કરોડની વીમા સહાય પૂરી પાડવામાં આવી
જ્યારે ખેડૂત કલ્યાણ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના હેઠળ અત્યાર સુધીમાં 36697 ખેડૂત કુટુંબોને રૂપિયા 466 કરોડની વીમા સહાય પૂરી પાડવામાં આવી છે. આપત્તિના સમયે રાજ્ય સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે ઉભી રહી છે. વર્ષ 2015-16 થી અત્યાર સુધીમાં પાક નુકસાની પેટે રાજ્યના 99 લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ.12.390કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
આ વર્ષે ટેકાના ભાવે 3.67 લાખથી વધુ ખેડૂતો પાસેથી જથ્થો ખરીદ્યો
ગુજરાતે આ વર્ષે ટેકાના ભાવે 3.67 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 8295 કરોડના મૂલ્યની 12.23 લાખ મે.ટન મગફળીની વિક્રમજનક ખરીદી કરી છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ટેકાના ભાવે વિવિધ જણસીઓનો 16 લાખ ખેડૂતો પાસેથી રૂપિયા 16 હજાર કરોડના મૂલ્યનો 30 લાખ મે.ટનથી વધુ જથ્થો ખરીદવામાં આવ્યો છે.