ગુજરાતમાં કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન માટે જિલ્લા કક્ષાએ સ્થપાશે આ સુવિધા, જાણો વિગત
ગાંધીનગરઃ રાજ્યના કૃષિ ક્ષેત્રમાં ખેડૂત અને ખેતીના સંર્વાંગી વિકાસ માટે સરકાર અનેક પગલાં લઇ રહી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકારના સેવા, સુશાસન અને સમર્પણના બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં પદાર્પણ પ્રસંગે ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન(FPO)ના પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રીના પ્રત્યક્ષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ રહીને હકારાત્મક અભિગમથી ખેડૂતની સામૂહિક સમસ્યાઓના સમાધાન-નિવારણ માટે ત્વરિત પગલા લીધા છે. ખેતીમાં નવીનીકરણ અને સુધારા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે.એટલું જ નહિ, ખેડૂતોની બેસ્ટ પ્રેક્ટીસીસના રાજ્યવ્યાપી અમલ માટે રાજ્ય સરકારે હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. દિન-પ્રતિદિન કૃદરતી આફત, સાધન સબસિડી સહિતના વિવિધ તબક્કે સહાય આપી છે અને જરૂર મુજબ સહાયનું ધોરણ પણ વધાર્યું છે.
આપણ વાંચો: દુનિયામાં પર્યાવરણ-કૃષિ ક્ષેત્રે મુખ્ય પ્રધાન શિંદેએ વગાડ્યો ડંકો, મળ્યો વૈશ્વિક પુરસ્કાર
આ તકે ખેડૂતો સાથેના સંવાદ દરમિયાન મુખ્ય પ્રધાને FPOના માધ્યમથી ખેડૂતોને સામૂહિક ખેતી કરવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. એફ.પી.ઓ.ની સફળતાનું ઉદાહરણ આપતા કહ્યું હતું, કે, આજે રાજ્યમાં સંપૂર્ણ મહિલાઓ સંચાલિત એફ.પી.ઓ. નારીશક્તિને પગભર કરવાની ઉમદા કામગીરીથી દેશના ખૂણે ખૂણે પહોંચી છે, એક્સપોર્ટ કરતી થઈ છે.
મુખ્યમંત્રી પ્રધાને ખેડૂતોની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા પ્રાકૃતિક કૃષિના સર્ટિફિકેશન, કૃષિ ઉપજના વેલ્યૂ એડિશન એટલે કે મૂલ્યવર્ધન માટે જિલ્લા કક્ષાએ કોમન ફેસિલિટીશેન વિકસાવવામાં આવે તે અંગે વિચારણા કરવા રાજ્યના ઉચ્ચ કૃષિ અધિકારીઓને સૂચન કર્યું હતું.