ગુજરાતમાં કરમસદ થી કેવડીયા સુધી 150 કિલોમીટરની યુનિટી માર્ચ યોજાશે

ગાંધીનગર : ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તા. 26 નવેમ્બર થી તા. 6 ડિસેમ્બર સુધી કરમસદથી કેવડીયા સુધીની 150 કિલોમીટરની રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રાષ્ટ્રીય પદયાત્રાના આયોજન અર્થે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી રક્ષા નિખિલ ખડસે અને મંત્રી મંડળના સભ્યોની હાજરીમાં એક બેઠક આણંદ સ્થિત એન.ડી.ડી.બી. ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
આપણ વાચો: રાજ્યમાં ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ યોજાશે: જિલ્લા અને રાષ્ટ્રીય સ્તરે પદયાત્રાનું થશે આયોજન…
સ્વચ્છતાની સાથે આત્મ નિર્ભર ભારતની છબી ઉજાગર થાય તે જરૂરી
આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું કે, સરદાર પટેલે દેશની આઝાદી અને આઝાદી બાદ દેશની એકતા અને અખંડીતતા માટે આપેલ યોગદાનને જન જન સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રીય પદયાત્રા એ અસરકારક માધ્યમ બની રહેશે.
આ પદયાત્રા એ સાચા અર્થમાં સરદાર પટેલના વિચારોને અનુરૂપ સાદગીનું પ્રતિક બની રહે તેવી હોવી જોઈએ. જેમાં સ્વચ્છતાની સાથે આત્મ નિર્ભર ભારતની છબી ઉજાગર થાય તે જરૂરી છે.
આપણ વાચો: ચૈતર વસાવાની પદયાત્રા મામલે ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે થઈ ગઈ રકઝક
આ યાત્રામાં વિદ્યાર્થીઓ અને યુવાઓની હાજરી ઇચ્છનીય
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ કે, પદયાત્રા સાથે જન જન જોડાય તેવું આયોજન થાય તે જરૂરી છે. આ પદયાત્રાના રાત્રિ પડાવના સ્થળોએ સ્થાનિક કલાકારો દ્વારા સરદાર પટેલના જીવન-કવન ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવે તે ઈચ્છનિય છે.
આ ઉપરાંત આ યાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાઓની સાથે સૌ કોઈ સહભાગી બને તે પ્રકારના આયોજન જરૂરી છે. તેમજ તેની સાથે સ્કૂલમાં પણ સરદાર વિશેના નિબંધ સ્પર્ધા તથા ક્વિઝ સ્પર્ધા યોજાય તે પ્રકારનું આયોજન કરવા ભાર મુક્યો હતો.
પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતોને સન્માનવા સૂચન
આ બેઠકમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પદયાત્રા દરમિયાન પ્રત્યેક ગામમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટેના પ્રદર્શન સ્ટોલ તથા સ્વછતા અભિયાનને સાર્થક કરતા સંદેશ પણ પદયાત્રા થકી લોકોને મળી રહે તે જોવા જણાવ્યું હતુ.
તેમણે પદયાત્રાના રૂટમાં આવતા ગામોના પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતોને સન્માનવાના સૂચન સાથે સરદાર યાત્રા એ સરદાર પટેલ જેવા લોહપુરૂષની આભાને અનુરૂપ બની રહે તે જોવા પણ જણાવ્યું હતું.



