ગુજરાતમાં વેકેશન દરમિયાન એસ.ટીએ બસોની ફ્રિક્વન્સી વધારી, 1400 એક્સ્ટ્રા બસો દોડાવશે

ગાંધીનગરઃ રાજ્યના નાગરીકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની માંગણીનુસાર રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના જણાવ્યા અનુસાર, નિગમના દરેક વિભાગો ખાતે વેકેશન સમયે મુસાફરોને સલામત અને સમયબદ્ધ મુસાફરીની પુરતી સુવિધા મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળા વેકેશન સમયગાળા દરમિયાન એસ.ટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર- તરફ અંદાજે ૫૦૦ ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે ૨૧૦, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત ૩૦૦ અને સૌરાષ્ટ્ર તરફ ૩૦૦ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસ.ટી નિગમ દ્વારા ગુજરાતમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રવાસન સ્થળો માટે પણ ટ્રીપ
રાજ્યના નાગરિકો ઉનાળા વેકેશન દરમિયાન વિવિધ પ્રવાસન સ્થળોની સાથે સાથે ધાર્મિક સ્થળોના દર્શને પણ જઈ શકે તે માટે નવી ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજની ૧૦ ટ્રીપ અને ડાકોર, પાવાગઢ, ગીરનાર માટે રોજની ૫ ટ્રીપ તથા પ્રવાસન સ્થળો જેવા કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર, સાપુતારા માટે અમદાવાદથી રોજની ૫ ટ્રીપ તેમજ દીવ અને કચ્છનાં પ્રવાસ માટે અમદાવાદથી રોજની ૧૦ બસોની ટ્રીપોનો આયોજન એસ,ટી નિગમ દ્વારા કરવામાં આવે છે.
આબુ પણ જઈ શકાશે
આ ઉપરાંત આંતરરાજ્ય પ્રવાસ માટે રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુંધામાતા જવા માટે અમદાવાદથી રોજની બે ટ્રીપ તેમજ મહારાષ્ટ્રના શિરડી, નાશિક, ધુલીયા જેવા આંતરરાજ્ય સ્થળોએ મુસાફરી માટે અમદાવાદના ગીતા મંદિરેથી બે રોજની બે ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.