ગાંધીનગરના બહિયલમાં બે જુથ વચ્ચે બબાલ, ટીયરગેસથી પોલીસે મામલો થાળે પાડ્યો

નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર ગરબાના આયોજન થયા છે માતાન પંડાલ સજાવવામાં આવ્યા છે. લોકો ગરબાના તાલે ઝૂમીને ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના દેહગામના બહિયલ ગામમાં નવરાત્રિની ઉજવણી મોટું વિધ્ન આવ્યું હતું. બે જુથો વચ્ચે નાની વાતમાં મોટી બબાલ થતા માહોલ તંગ બન્યો હતો. મોડી રાતે અરાજકતા ફેલાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો.
સૂત્રોની જાણકારી પ્રમાણે બુધવારે ત્રીજા નોરતાની રાત્રે બહિયલ ગામમાં ગરબાનું આયોજન ચાલુ હતું ત્યારે અચાનક બે જૂથો વચ્ચે અથડામણ થઈ, જેમાં પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ અને આગચંપી જેવી ઘટનાઓ બની. પ્રાથમિક તપાસ અનુસાર, આ હિંસા સોશિયલ મીડિયા પર મૂકાયેલા એક વિવાદાસ્પદ સ્ટેટસને કારણે ભડકી હતી, જેનાથી સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. આ દરમિયાન ગરબા સ્થળ પર ત્રણ બાજુથી પથ્થરમારો થયો, જેમાં 25 જેટલી ગાડીઓના કાચ તૂટ્યા અને કેટલીક મહિલાઓને પણ ઈજા પહોંચી હતી.
સ્થિતિ કાબૂમાં લેવા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, પરંતુ ટોળાએ પોલીસ વાહનો પર જ હુમલો કરી દીધો અને છ જેટલા વાહનોમાં તોડફોડ મચાવી. પોલીસે ટોળાને વિખેરવા માટે પાંચ ટીયરગેસના ગોળા છોડ્યા અને લાઠીચાર્જ કરવો પડ્યો. હાલ સ્થિતિ કાબૂમાં છે, પરંતુ વધુ તણાવ ન વધે તે માટે પોલીસે ગામમાં વધારાનો કાફલો તૈનાત કર્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે હિંસામાં સામેલ લોકોની શોધખોળ ચાલુ છે.
સ્થાનિક સૂત્રો અનુસાર, આ અથડામણ બે કોમ વચ્ચેની સામાન્ય માથાકૂટમાંથી શરૂ થઈ હતી. જેનું મુખ્ય કારણે સોશિયલ મીડિયાની વિવાદીત પોસ્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે અપીલ કરી છે કે લોકો શાંતિ જાળવે અને વિવાદાસ્પદ પોસ્ટથી દૂર રહે, જેથી તહેવાર શાંતિપૂર્વક તહેવાર પૂર્ણ થઈ શકે.
આ ઘટના પછી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને અસામાજિક તત્વોને પકડવા માટે ટીમો બનાવી છે. સમુદાયના વડીલોને પણ શાંતિ જાળવવા માટે સમજાવવામાં આવી રહ્યા છે, જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને. તહેવારના બાકીના દિવસોમાં વધુ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.