
ગાંધીનગરઃ દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 9 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ગુરુવારે શરૂ થઈ ચૂકી છે ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગયા અઠવાડિયે ગાંધીનગરમાં ગુજરાતના રાજભવન ખાતે આચાર્ય દેવવ્રતને મળ્યા હતા. શાહે આચાર્ય દેવવ્રત સાથે આ અંગે લંબાણપૂર્વક ચર્ચા કરી હોવાનું અને આચાર્ય દેવવ્રતે સંમતિ આપી હોવાનું કહેવાય છે.
જગદીપ ધનખડના અચાનક રાજીનામાથી ખાલી પડેલા ઉપરાષ્ટ્રપતિદ માટે ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ દ્વારા હજુ સુધી પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. તાજેતરમાં મળેલી એનડીઓના સાંસદોની બેઠકમાં એનડીએના પક્ષોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રમુખ જેપી નડ્ડાને ઉમેદવાર પસંદ કરવાની સત્તા આપી છે. મોદીએ આ બેઠક મળી તેના બહુ પહેલાં જ આચાર્ય દેવવ્રતનું નામ નક્કી કરી નાંખ્યું હોવાની પણ ચર્ચા છે.
દેવવ્રત નરેન્દ્ર મોદીની નજીક મનાય છે તેથી છેલ્લાં 6 વર્ષથી મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં રાજ્યપાલપદે છે. હાલમાં ગુજરાતના રાજ્યપાલ તરીકે સેવા આપી રહેલા આચાર્ય દેવવ્રત ૨૦૧૯માં ગુજરાતના રાજ્યપાલ બન્યા એ પહેલાં હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલ પદ સંભાળી ચૂક્યા છે. આર્ય સમાજ સાથે સંકળાયેલા દેવવ્રત અગાઉ હરિયાણાના કુરુક્ષેત્રમાં ‘ગુરુકુલ’ (પરંપરાગત શાળા) ના આચાર્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. આચાર્ય દેવવ્રત ગૌસેવા અને કુદરતી ખેતીના પ્રબળ સમર્થક હોવાથી હિંદુવાદીઓમાં પણ પ્રિય છે. હિન્દીમાં અનુસ્નાતક આચાર્ય દેવવ્રત શિક્ષણ અને વહીવટમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે અને અત્યંત સ્વચ્છ પ્રતિભા ધરાવે છે તેથી તેમની પસંદગી સામે કોઈ વાંધો ઉઠાવી શકે તેમ નથી.
હાલમાં રાજ્યસભાના નાયબ ચેરપર્સન હરિવંશ સિંહ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાનાં નામ પણ ચર્ચામાં છે. આ પૈકી મનોજ સિંહા આચાર્ય દેવવ્રતને ટક્કર આપી શકે તેમ છે. રાજ્ય કક્ષાના રેલ્વેના મંત્રી રહી ચૂકેલા સિંહા ઉત્તર પ્રદેશના ભાજપના દિગ્ગજ નેતા હતા. , સિંહાએ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછીની સ્થિતીમાં સ્થિરતામાં મહત્વનું યોગદાન આપ્યું છે. સિંહા ૧૯૯૯માં પહેલી વાર લોકસભામાં ચૂંટાયા હતા. વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખ હતા.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચે ગુરૂવારે જાહેરનામું બહાર પાડ્યું હતું. 21 જુલાઈના રોજ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી થયું હતું. રાષ્ટ્રપતિને લખેલા રાજીનામા પત્રમાં ધનખડે તેમના નિર્ણય માટે સ્વાસ્થ્યનાં કારણોનો ઉલ્લેખ કર્યો હતો. તેમનો કાર્યકાળ ઓગસ્ટ 2027માં પૂરો થવાનો હતો પણ બે વર્ષ પહેલાં જ ધનખડે રાજીનામું ધરી દીધું હતું. જાહેરનામા પ્રમાણે, ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે અને દસ્તાવેજોની ચકાસણી 22 ઓગસ્ટે કરવામાં આવશે.
આ પણ વાંચો…ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખનું એલાન ટૂંક સમયમાં, રાજકીય ગણિત શું કહે છે?