ગાંધીનગર

હવે ગુજરાત સરકાર તમને એસી વોલ્વો બસમાં સફર કરાવશે નડાબેટ અને સોમનાથની

ગાંધીનગરઃ વિશ્વપ્રસિદ્ધ મંદિર અને બાર જ્યોતિર્લિંગોમાનું એક સોમનાથ મંદિર હોય કે પછી વડનગર, મોઢેરા જેવા ઔતિહાસિક સ્થળો હોય, ગુજરાતમાં પ્રવાસન માટે અઢળક આકર્ષણો છે અને પ્રવાસીઓને સુવિધાઓ આપી ત્યાં સુધી પહોંચાડવા માટે સરકાર ઘણી સક્રિય છે. ગુજરાત સરકારે આવી વધારે એક સુવિધાની જાહેરાત કરી છે.

ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને સોમનાથ ટ્રસ્ટના સહિયારા પ્રયાસથી રાજ્યના નાગરિકો-પ્રવાસીઓ માટે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શન તેમજ નડાબેટ, વડનગર અને મોઢેરા માટે વિશેષ ટુર પેકેજની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે.

આપણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને વધાવ્યાં

સોમનાથ દર્શન ટૂર પેકેજ

તા.૨૮મી એપ્રિલ-૨૦૨5થી રાણીપ, અમદાવાદથી નિયમિત ધોરણે સવારે ૬:૦૦ કલાકે અધ્યતન એ.સી. વોલ્વો બસ ઉપડી, બપોરે ૪:૦૦ કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે પરત ફરશે. આ બે દિવસ અને એક રાત્રીના પેકેજ માટે પ્રતિ વ્યક્તિ રૂ. ૪ હજાર (સિંગલ શેરિંગ) અને
રૂ. ૭, ૦૫૦(ડબલ શેરિંગ હોટેલ રૂમ સહિત) નક્કી કરવામાં આવ્યા છે.

આ પેકેજમાં GSRTCની અધ્યતન એ.સી. વોલ્વો બસમાં પ્રવાસ, હોટેલ રોકાણ, સોમનાથ ખાતે લાઈટ-સાઉન્ડ શો તેમજ સોમનાથ ખાતેના દર્શનિય સ્થળો મ્યુઝિયમ, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિરની મુલાકાત અને બીજા દિવસે બપોરે રામ મંદિર ખાતે કોમ્પ્લિમેન્ટરી પ્રસાદની સગવડ કરવામાં આવી છે. આ સાથે સોમનાથ ખાતે અગત્યના સ્થળોની જાણકારી માટે ગાઈડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આપણ વાંચો: ગુજરાતમાં આ જગ્યાએ ભાજપના થઈ ગયા સૂપડા સાફ, ન જીતી એક પણ બેઠક

નડાબેટ, વડનગર અને મોઢેરા ટૂર પેકેજ:

આ માટે અમદાવાદથી સવારે ૯:૦૦ કલાકે ઉપડી, ૧૧:૧૫ કલાકે વડનગર અને ૫:૩૦ વાગ્યે મોઢેરા પહોંચશે. આ પેકેજ માટે વ્યક્તિદીઠ ભાડું રૂ. ૧૧૦૦ રહેશે.

આ પેકેજમાં નડાબેટ સીમા દર્શન, વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ, તાનારીરી, હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ અને મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઈટ-સાઉન્ડ શોની મુલાકાતનો સમાવેશ થાય છે અને પ્રવાસીઓને ગાઈડની સુવિધા પણ આપવામાં આવશે. જોકે આ ટૂર પેકેજમાં ભોજનનો ખર્ચ સામેલ નથી, તે પ્રવાસીએ પોતે કરવાનો રહેશે. આ માટે રિજસ્ટ્રેશન કરવા GSRTCની વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button