ગોપાલ ઈટાલીયાએ ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યાં, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી રહ્યા હાજર | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગોપાલ ઈટાલીયાએ ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યાં, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી રહ્યા હાજર

ગાંધીનગરઃ ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં કડી બેઠક પર ભાજપ અને વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની જીત થઈ હતી. આ બેઠક પરથી જીત્યા બાદ આજે ગોપાલ ઈટાલીયાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યાં છે.

આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ખુશીની લહેર

ગોપાલા ઈટાલીયાએ ધારાસભ્ય પદના શપથ લીધા તે દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પણ હાજર રહ્યાં હતાં. શપથવિધિ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને અલગ-અલગ સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને ફૂલહાર પહેરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. ગોપાલ ઈટાલીયાએ આજે સત્તાવાર રીતે ધારાસભ્ય પદના શપથ લઈ લીધા છે. ગુજરાત આમ આદમી પાર્ટીએ તેમને આ અંગે શુભેચ્છાઓ પણ પાઠવી છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

‘આપ’ કાર્યકર્તાઓએ કેશુભાઈ પટેલ જિંદાબાદના નારા લગાવ્યા

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આ દરમિયાન ભારત માતાકી જય, જય જવાન જય કિસાન, સાથે સાથે કેશુભાઈ પટેલ જિંદાબાદ તથા જય જય ગરવી ગુજરાતના નારા લગાવ્યાં હતા. ગોપાલ ઈટાલીયાએ મોરબીના ધારાસભ્યને એક ચેલેન્જ પણ આપી હતી. આજે ધારાસભ્ય તરીકે શપથ લીધા બાદ શું ગોપાલ ઈટાલીયા કાંતિ અમૃતિયાને આપેલા ચેલેન્જ અંગે વિચાર કરશે કે કેમ? તે એક પ્રશ્ન છે. કારણે કે, મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા આ મામલે બે દિવસ પહેલા આકરા પાણીએ જોવા મળ્યાં હતાં. હવે બંને ધારાસભ્યો દ્વારા કેવા નિર્ણયો લેવામાં આવે છે તે જોવું રહ્યું!

આ પણ વાંચો…ગુજરાતના રાજકારણમાં ‘ચેલેન્જ વોર’: ગોપાલ ઈટાલીયાના રાજીનામા પર ઇસુદાન ગઢવીની સ્પષ્ટતા!

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button