
ગાંધીનગર : ગુજરાતના પાટનગર ગાંધીનગરના વિકાસ માટે સરકારે 600 કરોડની ફાળવણી કરી છે. જેમાં સરકારે ગાંધીનગર કોર્પોરેશનમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP)તથા તેને સંલગ્ન ગંદા પાણીના વ્યવસ્થાપનના કામો, વરસાદી પાણીના નિકાલના નેટવર્કના કામો તથા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સહિતની કામગીરી માટે રૂ. 606 .34 કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ રકમમાંથી જાસપુર STP અને તેને સંલગ્ન કામો માટે રૂ.245 કરોડ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાની હદ વિસ્તરણથી નવા સમાવિષ્ટ થયેલા ગામતળ તથા નવા ટી.પી. વિસ્તારોમાં આવા કામો માટે 361.34 કરોડ રૂપિયા ઉપયોગમાં લેવાશે.
ગાંધીનગરમાં સેક્ટર 1 થી 30 તેમજ બોરીજ, પાલજ, બાસણ, ધોળાકુવા, ઈન્દ્રોડા, આદિવાડા અને ગોકુળપુરા ગામોના ડ્રેનેજના પાણીના અંદાજે 60 MLDની જથ્થાને સરગાસણ પંપિંગ સ્ટેશન ખાતે એકત્રિત કરીને જાસપુરમાં આવેલા 76 MLDની કેપેસિટીના STPમાં મુખ્ય લાઈન મારફતે યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં બે વર્ષમાં કેટલી સરકારી શાળાને માર્યાં તાળાં, કારણ શું?
ગાંધીનગર મહાનગરપાલિકાનો વિસ્તાર વધવાથી વસ્તીની ગીચતા અને પાણીના વપરાશમાં વધારો થવાના પરિણામે વધારાનું ૨૨ MLD પાણી પણ સરગાસણથી જાસપુર જતી ડ્રેનેજ લાઈનમાં મોકલવામાં આવે છે.આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાના કેટલાક ટી. પી. વિસ્તારો અને ખોરજ ગામ તેમજ ગુડા વિસ્તારનું વધારાનું 27 MLD ડ્રેનેજનું પાણી અડાલજ પંપિંગ સ્ટેશનથી પંપિંગ દ્વારા જાસપુર STP જતી લાઈનમાં પંપ કરવામાં આવે છે.
આમ, જાસપુર STPની 75 MLD ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટની કેપેસિટી સામે 109 MLD ડ્રેનેજ વોટર જાસપુર STPમાં એકત્રિત થાય છે. આ વધારાનું પાણી એકત્રિત થવાના પરિણામે જાસપુર STP,અદાણી કેમ્પસ, ખોરજ ગામ અને અડાલજ ત્રિમંદિર ક્લોવર લીફ ખાતે ઈનલેટ અને આઉટલેટની મેઈન લાઈન ઓવરફ્લો થતાં આ વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી ગ્રામ્ય વિસ્તારો, ખેતરો અને રોડ-રસ્તા પર ફરી વળવાની ઘટનાઓ બને છે.
આ પણ વાંચો :Gujarat વહીવટી સુધારણા પંચની વેબસાઈટ લોન્ચ, પ્રથમ ભલામણ અહેવાલ સરકારને સોંપાયો
ગ્રેવીટી મેઇન લાઈન પણ બદલવાની કામગીરી હાથ ધરાશે
મુખ્યમંત્રીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે હવે સરગાસણથી જાસપુર સુધીની 11 કિલોમીટરની અને 20 વર્ષથી વધુ સમયની ગ્રેવીટી મેઇન લાઈન પણ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે.રાજ્યના નગરો-મહાનગરો અને તેમાં સમાવિષ્ટ નવા વિસ્તારોના નાગરિકોને ઈઝ ઓફ લિવિંગ પૂરું પાડવાના અભિગમને સાકાર કરતા આ નિર્ણયથી ગાંધીનગર અને આસપાસના વિસ્તારોની લાંબા સમયની સમસ્યાનો અંત હવે નજીકના ભવિષ્યમાં આવી જશે.