
સિવિલમાં સારવાર હેઠળ મોટા ભાગના બાળકો; તંત્ર દ્વારા પાણીપુરી અને ઠંડા પીણાની 100થી વધુ લારીઓ બંધ કરાવાઈ
ગાંધીનગરઃ ગાંધીનગરમાં પાણીના કારણે ટાઇફોઇડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી શહેરમાં આવતા પીવાના પાણીમાં ગંદકી ભળી ગઈ છે, જેના કારણે લોકો બીમાર પડી રહ્યાં છે. અત્યારે સુધીમાં 113 કેસ નોંધાયા છે, જેમની સિવિલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. આ દૂષિત પાણીના કારણે સૌથી વધારે બાળકોને અસર થઈ રહી છે. મળતી જાણકારી પ્રમાણે ગાંધીનગરમાં દૂષિત પાણી પીવાથી લગભગ 100 બાળક હોસ્પિટલમાં દાખલ થયા છે. કુલ 150 લોકો સારવાર હેઠળ છે. દૂષિત પાણી પીવાથી લોકોને ટાઇફોઇડ થયો છે. સતર્કતાને ભાગરુપે સરકારે પગલાં લીધા હોવાના અહેવાલ વચ્ચે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક છોકરીનું મોત થયું હોવાથી તંત્ર વધુ સાબદું બન્યું છે.
સિવિલમાં 7 વર્ષની છોકરીએ ટાઈફોઈડને કારણે દમ તોડ્યો
સિવિલ હોસ્પિટલ સારવાર લઈ રહેલી સાત વર્ષની કાજલ કનૌજિયાએ દમ તોડ્યો છે. ટાઇફોઇડ અને તાવ હોવાના કારણે ચાર દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. કાજલના માતા-પિતાનું કહેવું છે કે, તે 14 દિવસથી બીમાર હતી. જ્યારે તેનો રિપોર્ટ કરાવ્યો તેમાં ટાઇફોઇડ હોવાનું જાણવા મળતા તેને સિવિલમાં દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…ગાંધીનગરમાં ટાઈફોઈડનો ફફડાટ: સિવિલમાં 100થી વધુ બાળકો દાખલ, કેન્દ્રીય ગૃહ મંત્રી એક્શનમાં….
સિવિલ હોસ્પિટલમાં હજુ પણ 150 દર્દી સારવાર હેઠળ
ગાંધીનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં હજુ પણ 150 દર્દી સારવાર લઈ રહ્યાં છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. બધાની સારવાર ચાલી રહી છે. આ દર્જીઓમાં મોટા ભાગે બાળકો સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત આ વિસ્તારોમાં જઈને તપાસ કરવામાં આવી રહી છે. જે પણ લોકો પ્રભાવિત થયાં છે, તેમની પણ સારસંભાળ લેવામાં આવી રહી છે.
પાણીપુરી અને ઠંડા પીણાની 100થી વધુ લારી બંધ
કાર્યવાહીની વાત કરવામાં આવે તો, દૂષિત પાણી મામલે કાર્યવાહી કરતા તંત્ર દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાની ફુડ સેફટી શાખા દ્વારા શહેરમાં તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરમાં પાણીપુરી અને ઠંડા પીણાની 100થી વધુ લારીઓ બંધ કરાવી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ આગામી દિવસમાં આ ઝુંબેશ ચાલુ રહેશે તેવા આદેશ આપવામાં આવ્યાં છે. એટલું જ નહીં, પરંતુ જ્યાં પાણીમાં લીકેજ છે ત્યા સમારકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘણી તબીબી ટીમો લોકોની તપાસ કરી રહી છે.



