ગાંધીનગર

ગાંધીનગરમાં હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિનીને માર મારનાર શિક્ષિકાને ૩ વર્ષની જેલ

ગાંધીનગર: શાળામાં બાળકોને શિસ્ત શીખવવાના બહાને શારીરિક ત્રાસ આપવો હવે ભારે પડી શકે છે. ગાંધીનગરની એક શાળામાં વર્ષ 2020માં બનેલી ઘટનામાં કોર્ટે કડક વલણ અપનાવતા મહિલા શિક્ષિકાને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. પાટનગરના સેક્ટર-28માં આવેલી વસંતકુંવર બા શાળામાં ધોરણ 9ની વિદ્યાર્થિનીને માત્ર હોમવર્ક નહીં કરવા જેવી નજીવી બાબતમાં માર મારવામાં આવી હતી, જેનું પરિણામ આજે શિક્ષિકાએ ભોગવવું પડ્યું છે.

શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની માહિતી એવી છે કે વર્ષ 2020માં શિક્ષિકા પારુલબેને પોતાની ક્લાસની એક વિદ્યાર્થિનીને જોરદાર થપ્પડ મારી હતી. આ માર એટલો ઘાતક હતો કે માસૂમ બાળકીના કાનનો પડદો ફાટી ગયો હતો. તબીબી તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ઈજાને કારણે વિદ્યાર્થિનીની સાંભળવાની શક્તિ પર કાયમી અને ગંભીર અસર થઈ હતી. આ મામલો કોર્ટમાં પહોંચતા કોર્ટે તેને ગંભીર ગુનો ગણાવ્યો હતો.

કોર્ટે આ કેસમાં મહત્ત્વનો ચુકાદો આપતા શિક્ષિકાને ૩ વર્ષ અને ૩ મહિનાની જેલની સજા ફટકારી છે. આ સાથે જ 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે દંડની આ રકમ ભોગ બનનાર વિદ્યાર્થિનીને વળતર તરીકે ચૂકવે. કોર્ટે નોંધ્યું હતું કે શિક્ષિકાએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે અને આ કૃત્ય ‘ક્રૂરતા’ની શ્રેણીમાં આવે છે.

કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે શિક્ષણના નામે બાળકો પર શારીરિક અત્યાચાર જરાય ચલાવી લેવામાં આવશે નહીં. જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 75 હેઠળ આ સજા ફટકારવામાં આવી છે, જે ભવિષ્યમાં અન્ય શિક્ષકો માટે એક ઉદાહરણ પૂરું પાડશે. શાળામાં બાળકોને સુરક્ષિત વાતાવરણ આપવું એ સંસ્થાની જવાબદારી છે અને હિંસા એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, તેવો કડક સંદેશ આ ચુકાદા દ્વારા આપવામાં આવ્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button