
તળાવમાં કૂદતા પહેલા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો અપલોડ કર્યો; પોલીસે તપાસ શરૂ કરી
ગાંધીનગરઃ આજના સમયમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવાનું ચલણ વધી ગયું છે. જેના માટે લોકો અને ખાસ કરીને યુવાનો કોઈ પણ જોખમી/જીવલેણ પગલું ભરવા માટે તૈયાર થઈ જાય છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરના નારદીપુર ગામમાં બન્યો હતો, જ્યાં એકસાથે ત્રણ યુવાનના મોત થયા છે.
કહેવાય છે કે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને તેમણે તળાવમાં ઝંપલાવ્યું હતું. આ બનાવમાં ત્રણેય યુવાનના મૃત્યુ થયા હોવાના અહેવાલથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે, જ્યારે પોલીસ પ્રશાસને પણ તપાસ હાથ ધરી છે.
ઇન્સ્ટાગ્રામ રીલમાં શું કહ્યું હતું યુવાનોએ?
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામના તળાવમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. 27 સપ્ટેમ્બર, 2024ની રાત્રે 8 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. ત્રણેય મૃતક યુવાનની ઓળખ ધૈર્ય શ્રીમાળી(ઉં. 21), કૌશિક મહેરિયા (ઉં. 23), અશોક વાઘેલા (ઉં. 39) તરીકે કરવામાં આવી છે.
ત્રણેય યુવાનોએ નારદીપુર-માણસા રોડ ખાતેના ભમ્મરીયા વડ પાસેના તળાવમાં ઝંપલાવ્યું હતું. 28 સપ્ટેમ્બરની રાત્રે ધૈર્ય શ્રીમાળીના ભાઈ યશ શ્રીમાળીને તેના ભાઈની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના આધારે આ ઘટનાની જાણ થઈ હતી. ધૈર્ય શ્રીમાળીએ કૌશિક મહેરિયા અને અશોક વાઘેલા સાથે તળાવમાં ઝંપલાવતા પહેલા એક વીડિયો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અપલોડ કર્યો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, “આઈ લવ યુ, હું મરી જાઉં છું, તારું નામ નહીં આવે” એક ત્રણ પૈકીનો યુવક બોલ્યો હતો. પોતાના પડોશી પાસેથી આ વીડિયોની જાણ થતા યશ શ્રીમાળીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. યશે શ્રીમાળીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “હું જ્યારે તળાવ પાસે પહોંચ્યો ત્યારે મને કૌશિકના બે મોબાઈલ, શુઝ, પર્સ, ચોવી અને એક મોટરસાઈકલ મળી હતી.” સ્થાનિક તરવૈયાઓએ ત્રણેયના મૃતદેહને તળાવની બહાર કાઢ્યા હતા. ત્રણે જણે એકબીજાના હાથ પકડેલા હતા. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા તેમ જ કેસ નોંધીને તપાસ પણ હાથ ધરી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
નાટક કે આત્મહત્યાનો પ્રયાસ
કલોલ પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસના આધારે મૃતકોના ફોનમાંથી મળેલા વીડિયોથી માલૂમ પડે છે કે તેઓ તળાવમાં કૂદીને પોતાનો વીડિયો બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. આ નાટક હતું કે આત્મહત્યાનો પ્રયાસ એ જાણવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ ઘટનાને લઈને પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે એકસાથે એક જ ગામના ત્રણ યુવાનોએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. ત્રણ યુવાન પૈકીના મૃતક અશોક વાઘેલા પરિણીત છે. પરિવારમાં પત્ની અને એક બાળકી પણ છે ત્યારે આ ત્રણેય લોકોએ આત્મહત્યા કરવા જેવું પગલું કેમ ભર્યું? આ સવાલે ગ્રામજનોમાં સવાલો ઊભા કર્યાં છે.
આ પણ વાંચો…મહીસાગર જિ્લ્લામાં દલિત યુવતીને વાળ પકડીને ઢસડીને ગરબામાંથી બહાર કઢાઈ, કોની સામે થઈ ફરિયાદ ?