દુષ્કર્મના ગુનેગારો સામે ગુજરાત પોલીસની આક્રમક કાર્યવાહી, વધુ એક દુષ્કર્મી પર ફાયરિંગ…

ગાંધીનગરઃ ગાંધીનગરના સેકટર-24ના ઈન્દિરાનગર છાપરા વિસ્તારમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. આ દુષ્કર્મ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેના પર ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી, જેથી આરોપીને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી હોવાના કારણે લોકોએ ગાંધીનગર અને ગુજરાત પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
દુષ્કર્મના આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો તો પોલીસે કર્યું ફાયરિંગ
આરોપી રામસિંગ બિહારનો વતની છે. જે સેક્ટર 25 જીઆઇડીસીની અમુલ ડેરીમાં નોકરી કરતો હતો. પાંચ દિવસ પહેલા રામસિંહે સેક્ટર 24 ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં ગયો અને તકનો લાભ લઈને આરોપીએ બાળકીને ઉઠાવી લીધી હતી. ત્યારે તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ કેસમાં આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી. જેના પગલે ટેકનિકલ સર્વેન્સ અને સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીની ધરકડ કરવામાં આવી હતી.
છેલ્લા ચાર મહિનામાં દુષ્કર્મ અને હત્યા જેવા કેસમાં કડક કાર્યવાહી

ગુજરાત પોલીસની આક્રમક કાર્યવાહીની વાત કરવામાં આવે તો, છેલ્લા ચાર મહિનામાં દુષ્કર્મ અને હત્યા જેવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરી છે. વિગતે જોઈએ તો, તારીખ 20 ડિસેમ્બર 2025એ દુષ્કર્મ કેસના આરોપીએ રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે ફાયરિંગ કરીને પગમાં ગોળી મારી હતી. તારીખ 16 ડિસેમ્બર 2025એ સુરતના ગોડાદરાના ડબલ મર્ડર કેસના ફરાર આરોપી શિવા ટકલાએ પોલીસ પર હુમલો કર્યો ત્યારે પોલીસે સ્વરક્ષણમાં આરોપીના જમણા પગમાં ગોળી મારી હતી.
ગુજરાત પોલીસે આ આરોપીઓ પર ફાયરિંગ કર્યું હતું.
વધારે વિગતે જોઈએ તો, તારીખ 10 ડિસેમ્બર 2025ના રોજ રાજકોટમાં નાની બાળકીના દુષ્કર્મ કેસના આરોપીએ પંચનામા દરમિયાન તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જેથી પોલીસે ફાયરિંગ કર્યું જેના કારણે આરોપીને બંને પગમાં ગોળીઓ વાગી હતી. તારીખ 7 ડિસેમ્બર 2025 અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દુષ્કર્મના આરોપી મોઇનુદ્દીન શેખે ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સ્વરક્ષણમાં પોલીસ ઇન્સ્પેક્ટરે તેના પગમાં ગોળી મારી હતી. જ્યારે 11 નવેમ્બર 2025ના રોજ નવસારીના બિલિમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને ગેંગસ્ટર્સ વચ્ચે ગોળીબાર થયો તેમાં એક આરોપીને ગોળી વાગી હતી. તારીખ 24 સપ્ટેમ્બર 2025ના રોજ ગાંધીનગરમાં પોલીસનું હથિયાર છીનવી આરોપીએ ગોળીબાર કર્યો હતો જેમાં ગાંધીનગર પોલીસે એન્કાઉન્ટર કરીને આરોપીને ઠાર કર્યો હતો.



