ગાંધીનગરમાં સાસરિયાં-પત્નીના ત્રાસથી પતિએ કર્યો આપઘાત, મોત પહેલાં ભાઈને વીડિયો કોલ કરી શું કહ્યું?

ગાંધીનગર: સાસરિયાંના ત્રાસથી પરણિતાએ આપઘાત કર્યાની ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે. પરંતુ તાજેતરમાં ઘરજમાઈએ સાસરિયાંના ત્રાસથી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ગાંધીનગરના રહેવાસી 42 વર્ષીય યુવકે સાસરી પક્ષ દ્વારા આપવામાં આવતા સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને ઝુંડાલ કેનાલમાં મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની કરુણતા એ હતી કે યુવકે આપઘાત કરતા પહેલા પોતાના ભાઈને વીડિયો કોલ કરીને પોતાની વ્યથા જણાવી હતી.
માનસિક ત્રાસથી કંટાળ્યો ઘરજમાઈ
મૃતક લક્ષ્મણભાઈ પરમારના લગ્ન વર્ષ 2011માં સુમિત્રાબેન સાથે થયા હતા. પત્નીની જીદને કારણે લક્ષ્મણભાઈ છેલ્લા 5 વર્ષથી વતન રાલીસણા ખાતે પોતાની સાસરીમાં જ રહેતા હતા. જોકે, સાસરીમાં રહેવા છતાં પત્ની અને સાસુ નર્મદાબેન તેમને શાંતિથી રહેવા દેતા નહોતા અને અવારનવાર પૈસાની માંગણી કરી માનસિક ત્રાસ આપતા હતા.
23 ડિસેમ્બર, 2025ના રોજ વિવાદ વકર્યો હતો. લક્ષ્મણભાઈએ રડતા અવાજે ભાઈને જણાવ્યું હતું કે, “પત્ની, સાસુ, સાળીઓ અને બે કુટુંબી સાળાઓએ મળીને તેમને ઢોર માર માર્યો છે. એટલું જ નહીં, સાસરિયાંઓએ ધમકી આપી હતી કે જો પૈસા નહીં આપે તો બાળકોને મળવા દેવામાં આવશે નહીં.
” આ ત્રાસથી હારી ગયેલા લક્ષ્મણભાઈ રાત્રિના સમયે અડાલજ નજીક ઝુંડાલ કેનાલ પહોંચ્યા હતા. તેમણે ત્યાંથી ભાઈને વીડિયો કોલ કરીને કહ્યું, “હું હવે થાકી ગયો છું, મારા સાસુ અને પત્ની મને જીવવા દેતા નથી… મારા બાળકોને તમે સાચવજો.”
આપણ વાચો: મોરબીમાં સગીરાએ કર્યો આપઘાત, અભ્યાસના તણાવને કારણે 11મા માળેથી ઝંપલાવ્યું
નાના ભાઈએ નોંધાવી ફરિયાદ
લક્ષ્મણભાઈના વીડિયો કોલથી ગભરાયેલા પરિવારજનો લોકેશનના આધારે કેનાલ પર દોડી ગયા હતા. અંધકારમાં તેમના મોબાઈલની લાઈટ પણ દેખાઈ રહી હતી, પરંતુ પરિવાર પાસે પહોંચે તે પહેલા જ લક્ષ્મણભાઈએ કેનાલમાં પડતું મૂકી દીધું હતું. પાછળથી સાંતેજ પોલીસની હદમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતકના નાના ભાઈ રાહુલભાઈની ફરિયાદના આધારે સાંતેજ પોલીસે પત્ની, સાસુ, બે સાળીઓ અને બે સાળાઓ સહિત કુલ 6 લોકો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ વિસનગર પોલીસને સોંપવામાં આવી છે.



