ગાંધીનગરમાં ગૌરી વ્રતના વિસર્જન વેળાએ નહેરમાં ડૂબવાથી ડોક્ટરનું મોતઃ છ વર્ષની દીકરી બની સાક્ષી…

ગાંધીનગર: ગુજરાતમાં હાલ ઠેર ઠેર ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટનગરમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. ગૌરી વ્રતના વિસર્જન વખતે નહેરમાં ડૂબવાથી બાળરોગ નિષ્ણાત ડોક્ટરનું કરૂણ મોત થયું હતું. શનિવારે એક 39 વર્ષીય ડોક્ટરનું નર્મદા નહેરમાં ડૂબી જવાથી મોત થયું અને એ વખતે તેમની છ વર્ષની દીકરી આ ઘટનાની સાક્ષી બની હતી, પરંતુ તે પિતાને બચાવી શકી નહોતી.
નહેરમાં ડૂબવાની ઘટના
મૃતકની ઓળખ નીરવ બ્રહ્મભટ્ટ તરીકે કરવામાં આવી હતી, જેઓ ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં બાળરોગના નિષ્ણાત હતા. બનાવ અંગે જાણવા મળ્યું હતું કે મૃતકની દીકરી દ્વિજાએ ગૌરી વ્રત કર્યું હતું. આ વ્રત પૂર્ણ થયા તેના જુવારા વિસર્જન કરવા અડાલજ બ્રિજ પાસે નર્મદા નહેર પર ગયા હતા. ત્યાં તેમણે દીકરીને નહેરના કિનારે બેસાડીને જુવારા વિસર્જન માટે આગળ વધ્યા, પરંતુ પગ લપસવાથી તેઓ નહેરના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. નહેરની ઊંડાઈ વધુ હોવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ.
ઘટના બાદ દ્વિજા નહેરના કિનારે રડતી જોવા મળી હતી, ત્યાર બાદ એક ઓટોચાલકે તેને રડતી જોઈને ઘટનાનું કારણ પૂછ્યું હતું. દ્વિજાએ પોતાના પિતાની ઘટના જણાવી અને ઘરે પહોંચાડવાની વિનંતી કરી. ઓટો ચાલકે તેને સાંત્વના આપી, પરંતુ દ્વિજાને ખબર નહોતી કે તેના પિતા હવે પાછા નહીં આવે. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ડો. નીરવ બ્રહ્મભટ્ટ ગાંધીનગરના વાવોલ વિસ્તારની અનાસ્ય ગ્રીન્સ સોસાયટીમાં રહેતા હતા. તેમની પત્ની ડો. કોશા પણ સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટર છે. ડો. નીરવના અચાનક નિધનથી ગાંધીનગરના મેડિકલ ક્ષેત્રના સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ છે.